July 5, 2024

ભાદર-2 ડેમ ઓવરફ્લો; ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ, પોરબંદર સુધી એલર્ટ

ધોરાજીઃ ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈ ભાદર-2 ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદથી ભાદર-2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે.

ઉપરવાસમાં વરસાદ થતા ડેમમાંથી 575 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 656 ક્યુસેક પાણીની જાવક છે. દરવાજો ખોલતા નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ કર્યા છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં

ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ, પોરબંદર સુધી તંત્રએ એલર્ટ રહેવાની સૂચના આપી છે. આ ઉપરાંત નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા માટે તંત્રએ અપીલ કરી છે. ભાદર-2 ડેમમાં પાણીની આવર થતાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. ત્યારે ધોરાજી, કુતિયાણા, ઉપલેટા સહિત ઘેડ પંથકમાં ખેડૂતોને લાભ થશે.

24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 55 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના લાખણીમાં 11 ઈંચ વરસ્યો છે. આ ઉપરાંત મહેસાણા શહેરમાં 4 ઈંચ તો બેચરાજીમાં પણ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 4 ઈંચ તો બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વાવ અને સૂઈગામમાં 3 ઈંચ તો અરવલ્લીના મોડાસામાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે.