મતદાન કરનારા લોકોને શિવરાજપુર બીચની હોટેલ-રેસ્ટોરાંમાં 7 ટકાનું ડિસ્કાઉન્ટ
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લામાં 100% મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ ચૂંટણી તંત્રની મદદમાં આવી છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે આગામી 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. ત્યારે આગામી 8મી મેથી 12 સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાન કરેલા તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચ પર ફીમાં એન્ટ્રી આપવામાં આવશે.
આ ઉપરાંત 7મી મેથી 9 મે સુધી જિલ્લાની વિવિધ હોટેલ-રેસ્ટોરાંમાં 7 ટકા સુધીના ડિસ્કાઉન્ટની પણ હોટલ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે દેશની લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં એકપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના દિશાનિર્દેશમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતના કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં અકસ્માત થતા આણંદની ત્રણ મહિલાના મોત, ડ્રાઇવર સારવાર હેઠળ
જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહી મહાપર્વમાં પોતાનું યોગદાન નોંધાવવા તત્પર છે. દ્વારકા હોટેલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લોકશાહી મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા પ્રોત્સાહન મળે તે માટે વિવિધ હોટેલ-રેસ્ટોરાંમાં ડિસ્કાઉન્ટની ઓફર કરી છે અને તંત્રએ શિવરાજપુર બીચ પર પ્રવેશ નિઃશુલ્ક એન્ટ્રીની જાહેરાત કરી છે.