October 6, 2024

દ્વારકામાં જમીન બાબતે સગા દીકરાએ બાપને મોતને ઘાટ ઉતાર્યો

મનોજ સોની, દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતીમાં એક કહેવત છે કે ‘જર, જમીન ને જોરૂ, ત્રણેય કજિયાનાં છોરું’ આ કહેવત સાચી પડી છે. દ્વારકા પાસેના લાડવા ગામે જમીન મામલે સગા પુત્રએ પિતાની કરી હત્યા કરી નાંખી છે. ત્યારે આ મામલે પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, દ્વારકા પાસેના લાડવા ગામના સીમ વિસ્તારમાં એક વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ખેતરમાં ખાટલા ઉપર આ વૃદ્ધને બોથળ પદાર્થના ઘા ઝીંકી અને મોતને ઘાટ ઉતાર્યો હોય તેવું લાગતું હતું. ત્યારે આ ઘટનાની જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા કયા કારણોસર થઈ તે તપાસનો વિષય હતો ત્યારે દ્વારકા પોલીસે કુનેહપૂર્વક આ સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસના અંતે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલો ગણતરીની કલાકોમાં દ્વારકા પોલીસે ઉકેલી નાંખ્યો હતો. પરંતુ આ સમગ્ર હત્યાકાંડમાં પોલીસે જ્યારે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે દ્વારકા પંથકમાં આ હત્યાના બનાવ અંગે ભારે ચર્ચા જાગી હતી.

આ પણ વાંચોઃ આવાસ યોજનાના મકાનમાં ભ્રષ્ટાચાર? વરસાદમાં મકાનનો સ્લેબ ધરાશાયી

મોહનભાઈ સોનગરાની વાડી લાડવા ગામના સીમ વિસ્તારમાં આવેલી છે. ત્યારે તેઓ ખેતીકામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. તેમના સંતાનોમાં મોટો પુત્ર રાજેશ મોહનભાઈ સોનગરા દ્વારકાની પીજીવીસીએલ કચેરીમાં નોકરી કરે છે. તેને જમીનમાં ભાગ જોઈતો હતો. તેથી આ મામલે પિતા સાથે અવારનવાર રાજેશ સોનગરાએ બોલાચાલી કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ મામલે પગેરું શોધવા રાજેશ સોનગરાની આગવી ઢબે પૂછપરછ કરતાં જ પોલીસને આ હત્યાકાંડમાં પુત્રની સંડોવણી હોવાની શંકા ગઈ હતી. ત્યારે પોલીસે વધુ કડકાઈથી પૂછપરછ કરતા પુત્રએ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.