પાણીની સમસ્યાઓની રજૂઆત છતાં તંત્રએ 15 દિવસે માત્ર 1-2 ટેન્કરો મોકલ્યા
ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: હાલ ઉનાળાની સિઝન શરૂ થઇ છે ત્યાંજ શહેરના પોશ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સ્થાનિક રહેવાસીઓ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. મહાનગર પાલિકાના ચૂંટાયેલા શાસક પક્ષોને પાણીની સમસ્યાઓની અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હાલ ઉનાળાની સીઝન ની શરૂઆત થઇ છે ત્યારે ભાવનગર શહેર માં પીવાના પાણી ની સમસ્યાઓ ઉભી થઇ રહી છે. શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા પાણી પહોચાડવા માટે ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા પીવાના પાણી બાબતે અનેક રજુઆતો કરવા છતાં પણ તંત્ર કે મહાનગરપાલિકાના ચૂંટાયેલા શાસક પક્ષો દ્વારા કોઈ નક્કર પગલા નહીં ભરવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં રોષ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે.
ભાવનગર શહેરનાં એવા કેટલાંક વિસ્તારો છે કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીની લાઈન તો નાખવામાં આવી છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ નળમાં પાણી સપ્લાય થતું નથી. શહેરના છેવાડાના વિસ્તારો જેવા કે કુંભારવાડા, આનંદનગર, ખેડૂતવાસ જેવા છેવાડાના વિસ્તારોમાં પાણી સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા જયારે પીવાના પાણી બાબતે રોષભેર જણાવેલ કે તેઓના વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી પાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવ્યું નથી તેમજ અનેક રજુઆતો કરવા છતાં પણ પાણી ક્યારે આવશે તે બાબતે કોઈ નક્કર જવાબ કે નક્કર પગલાઓ આજ દીન સુધી લેવામાં આવ્યા નથી. માત્ર 15 દિવસે એક બે ટેન્કરો મોકલી સંતોષ માનવામાં આવી રહ્યો છે જેને લઈને સ્થાનિકો રોષે ભરાઈ આગામી દિવસોમાં પીવાના પાણી બાબતે આંદોલનો કે રેલીઓ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.
ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમયથી મહાનગરપાલિકામાં ભાજપ શાશકો ચૂંટાઇ આવી રહ્યા છે. શાશક પક્ષો દ્વારા ચુંટણી સમયે છેવાડાના માનવી સુધી પાણી પહોચાડવાની વાતો કરવામાં આવી તેમજ સરકારી તંત્ર દ્વારા પણ છેવાડાના વિસ્તારોમાં પાણીની લાઈનો નાખી પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગનાં અધિકારી પી.જે.ચુડાસમાએ જણાવ્યું કે, ઉનાળાની શરૂઆત થતા પીવાના પાણીની જરૂરીયાત વધી છે તેમજ જે વિસ્તારોમાં પાણી લાઈનો કોઈ સંજોગો વસ ખરાબ અથવા ભંગાણ થઇ હોય તેવા વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોચાડવામાં આવે છે. હાલ ઉનાળાની શરુઆત થતા રોજ ના 30 થી 40 જેટલા ટેન્કરો દરરોજ શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ટેન્કરો પહોંચાડી પાણી વિતરણ કરવામાં આવે છે. બીજી બાજુ સવાલ એ થઇ રહ્યો છે કે સરકાર દ્વારા પીવાના પાણી બાબતે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં સમયસર પાણી વિતરણ કરવામાં આવતું નથી અને વિતરણ કરવામાં આવે તો પીવાના પાણી દુગંધ યુક્ત મળી રહ્યું છે. જેને લઈને પણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.