December 22, 2024

70થી વધુ પાકિસ્તાની રોકાયા હોવાની સૂચના, પેરામિલિટ્રી ફોર્સે હોટેલ ઘેરી લીધી

નવી દિલ્હીઃ શુક્રવારે રાત્રે દિલ્હી પોલીસ સહિત દેશની સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. ગુપ્તચર એજન્સીને પહાડગંજ સ્થિત ટુડે ઈન્ટરનેશનલ હોટલમાં 60થી 70 પાકિસ્તાનીઓ રોકાયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષા એજન્સી એલર્ટ થઈ ગઈ હતી. સમગ્ર હોટલની સામે અને તેની આસપાસ મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે.

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિલ્હી પોલીસ અધિકારીઓને પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું કે, કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ થઈ રહી છે. ત્યારપછી માહિતી મળી હતી કે ટુડે ઇન્ટરનેશનલ હોટલમાં મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ રોકાયા છે.

હોટલમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો રોકાવાને કારણે અનેક સવાલો ઉભા થાય છે. શું સુરક્ષા એજન્સીને જાણ નહોતી કે આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો હોટલમાં રોકાયા છે, શું આ પાકિસ્તાનીઓ ગેરકાયદેસર રીતે આવ્યા હતા? દિલ્હી પોલીસના તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસ ડેપ્યુટી કમિશનર એમ હર્ષ વર્ધનનું કહેવું છે કે, આ પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે જે નિઝામુદ્દીન દરગાહ માટે આવ્યું છે. આમ છતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, જ્યારે આ પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે, ત્યારે દિલ્હી પોલીસ પાસે તેની આગોતરી માહિતી હશે, તો પછી મોટી સંખ્યામાં પોલીસ દળો કેમ તૈનાત કરવામાં આવ્યા છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે કેમ પહોંચ્યા છે.