September 15, 2024

રાજ્યમાં ચાંદીપુરાથી મૃત્યુઆંક 15 થયો, આરોગ્યમંત્રીએ કહ્યું ડરવાની નહિ તકેદારીની જરૂર

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાંઓને લઈને સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે એક સમીક્ષા બેઠક બોલાવી હતી જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા. બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા ચાંદીપુરા વાયરસના કેસ અને હાલની સ્થિતિને લઈને માહિતી આપી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ ચાંદીપુરાના 29 કેસ સામે આવ્યા છે. તો આ વાયરસને કારણે રાજ્યમાં 15 કેસોમાં દર્દીઓના મોત થયા છે. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 4 વર્ષ થી 14 વર્ષના બાળકોને આ વાયરસની વધુ અસર થાય છે. ટેસ્ટિંગને લઈને આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પુનાની લેબમાં મોકલેલા 7 સેમ્પલમાં 1 કેસ પોઝિટિવ આવ્યો છે.

તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમામ જિલ્લાના DDO, કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશ્નરને સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવા પણ સૂચના અપાઈ છે. કાચા માટીના ઘર, છાણ વાળા ઘર હોય ત્યાં દવા છંટકાવ કરવા સૂચના આપવામાં આવી છે. જ્યાં જ્યાં તિરાડો હોય તે વિસ્તારમાં પણ દવાના છંટકાવ કરવા સૂચના અપાઈ છે.

આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ચાંદીપુર રોગથી ડરવાની જરૂર નથી. આ ચેપી રોગ નથી પરતું સાવધાની રાખવાની જરૂર છે. બાળખને તાવ આવે તો તરત સારવાર અર્થે ખસેડવા જોઈએ. તાવ આવે તો 24 કલાકમાં સારવાર અર્થે લઈ જવા જોઈએ. ઝડપી સારવાર અર્થે લઈ જવાથી મૃત્યુ આંક પર નિયંત્રણ આવશે. એંફેલાસીટ રોગના લક્ષણો ખબર પડતાં નથી. ડોક્ટરો અને આરોગ્ય અધિકારીઓ સાથે લાઇન ઓફ પ્રોસિસર કામ કરવાનું આયોજન કરવામાં આવશે. દવાઓના માધ્યમથી સારવાર થઈ શકશે. ઘરની આસપાસ પાણી ન ભરાય તેની કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને બાળકોને આખા કપડાં પહેરાવવાની કાળજી રાખવી. બીક રાખવાની કે ડરવાને બદલે તકેદારી રાખવાની જરૂર છે.

ટેસ્ટિંગ અને સેમ્પલિંગને લઈને આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે પહેલા પુના લેબમાં સેમ્પલ મોકલવામાં આવતા હતા પરતું હવે GBRCમાં મોકલવામાં આવી રહ્યા છે. સેમ્પલ GBRCમાં મોકલતા રિપોર્ટ વહેલી ઝડપી મળશે.