November 22, 2024

Dangમાં સ્થાનિકો ખરાબ પાણી પીવા મજબૂર, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન

ડાંગઃ આહવા તાલુકાના કલમવિહિર ગામમાં કોદમાળ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ નિર્માણ કરવામાં આવેલા કૂવાનું પાણી દુષિત થતા છેલ્લા બેથી ત્રણ મહિનાથી સ્થાનિકો આ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આ દૂષિત પાણીને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આહવા તાલુકાના કલમવિહીર ગામ ખાતે કોદમાળ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત બે કુવા બનાવવામાં આવ્યા હતા. આ કૂવાના પાણીથી સ્થાનિકો પોતાની તરસ છીપાવતા હતા. આ કુવા સ્થાનિકો માટે ખૂબ જ લાભદાયી બન્યા હતા. પરંતુ છેલ્લા બેથી ત્રણ મહિનાથી આ કૂવામાં ગંદુ અને દૂષિત પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા બેથી ત્રણ મહિનાથી પાણી ગંદુ અને દૂષિત થઈ ગયું હોવાથી સ્થાનિકો માટે અન્ય કોઈપણ વૈકલ્પિક પાણીની સુવિધા ન હોવાથી લોકો આ ગંદુ અને દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ મામલે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી. કૂવામાં આવતા દુષિત પાણીને લઈને સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ પણ અધિકારી સ્થળ તપાસ કરવા સુદ્ધાં આવતા નથી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની આગાહી

ત્યારે આ દૂષિત અને ગંદુ પાણી પીવાથી કોઈ રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર રહેશે જેવા અનેક પ્રશ્નો વચ્ચે શુદ્ધ પાણી ગામ લોકોને કેવી રીતે આપી શકાય તેની વાત તો દૂર પરંતુ અધિકારીએ ગામના લોકો પર જ આક્ષેપો કરીને તેઓ માછલી પકડવા જતા પાણી દૂષિત થયું હોકાણું રટણ કરી સોમવારથી શુદ્ધ પાણી આપવાની હાલ ખાતરી આપી છે.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં જામનગરમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

પાછલા બેથી ત્રણ મહિનાથી દૂષિત પાણી પીવા માટે મજબૂર બનેલા ગ્રામજનો એક જ માગ કરી રહ્યા છે કે, અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે. જો કે, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ અંગે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું.