સાપુતારાના ચીફ ઓફિસરની બદલીથી ગ્રામજનોમાં રોષ, બંધનું એલાન આપ્યું
ડાંગઃ ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારાના ચીફ ઓફિસરની બદલી ભાવનગર થતા સાપુતારા નવાગામના ગ્રામજનોએ તેમની બદલીનો ઓર્ડર રદ્દ કરવાની માગ કરી હતી. પરંતુ બદલીનો ઓર્ડર હજુ સુધી રદ ન થતા સાપુતારામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
સાપુતારામાં છેલ્લાં 10 વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવતું હતું. જેના પગલે સાપુતારા અને નવાગામના કેટલાક પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો. આથી બે માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડો. ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી.
આ બે માસ દરમિયાન સાપુતારા અને નવાગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું. પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યૂટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતાં નવાગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોએ બદલી રદ કરવામાં આવે તેવી માગ સરકાર સમક્ષ કરી હતી, પરંતુ તેનો કોઈ જ જવાબ ન મળતા સાપુતારા અને નવાગામના લોકોએ સાપુતારામાં આજે બંધનું એલાન આપ્યું હતું. તેમાં સમગ્ર સાપુતારા બંધ રહેતા અહીં આવતા પ્રવાસીઓએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જો કે, જો તેમની બદલી રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં રસ્તા રોકો આંદોલન અને આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.