June 16, 2024

ભરઉનાળે Dahodના અંતરિયાળ ગામો પાણી વગર તરસ્યાં, નળ સે જળ યોજના કાગળ પર

દાહોદઃ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર શરૂ થવા પામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના આકરા તાપમાં ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ નાના બાળકો ખુલ્લાપગે દિવસભર માથે વજનદાર બેડા સાથે વિકાસશીલ ગુજરાતમાં પોતાની કમનસીબીને કોસી રહ્યા છે.

દાહોદ શહેરના ખરેડી, દેલસર, ભાઠિવાડા સહિતના સ્માર્ટ સિટી દાહોદની આસપાસ વસેલા આંતરિયાળ ગામોમાં પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. ખરેડી તેમજ ભાઠીવાડા સહિતના ગામોમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ હયાત છે. તેના પગલે આ ગામમાં વસવાટ કરતા ગ્રામજનો એકમાત્ર કૂવા પર જ નિર્ભર છે. ગામની મહિલાઓ વહેલી સવારથી નાના ભૂલકાઓ, શાળાએ જતી બાળકીઓ સહિત સમગ્ર પરિવારજનોને સાથે રાખી ઉનાળાના આકરા તાપમાં માથે વજનદાર પાણીના બેડા, ખુલ્લાપગે દિવસના આઠથી દસ ફેરા પાણી ભરવા માટે ગામના કૂવે આવવું પડે છે. એમાંય જોજન દૂરથી પાણી લેવા આવતા આ ગ્રામજનોને ફિલ્ટર વગરનું જંતુનાશક પાણી પીવા નસીબમાં આવ્યું છે.

આ પણ વાંચોઃ લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, જુઓ તસવીરોમાં

ખરેડી વિસ્તારમાં કૂવામાં જીવાણુઓ પણ તરતા જોવા મળી રહ્યા છે. એક તરફ સામાન્ય ચૂંટણી છે. બીજી તરફ ઉનાળાની શરૂઆત છે. હમણાં જ જો આ પરિસ્થિતિ છે તો ઉનાળાના મધ્યાહને ગ્રામજનોને પાણી ઉપલબ્ધ થશે કે કેમ તે પણ વિચાર માગી રહે તેવો પ્રશ્ન છે? વિકસિત ભારતના સપના સેવનાર ભારતમાં આઝાદીના અમૃતકાળમાં વિકાસના મોડલ પર સમગ્ર વિશ્વ ફલક પર નામના મેળવનારા ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની આદિવાસીઓની આવી કકોડી હાલતમાં જીવનનિર્વાહ કરવા મજબૂર બનતા ભારત દેશમાં પેદા થયા હોવાનું અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાટાડુંગરી જળાશય મારફતે ગામના તળાવો ભરવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ યોજનામાં ઝડપભેર પૂર્ણ કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોની તકલીફો અને પરેશાનીઓનો અંત આવે તેમાં કોઈ બેમત નથી.