ગૃહમંત્રી અને સુરત પોલીસ કમિશનરના નામે FAKE અકાઉન્ટ બનતા સાયબર ક્રાઇમ પોલીસ દોડતી થઈ
અમિત રૂપાપરા, સુરત: સાયબર ફ્રોડ પોલીસ માટે એક મોટો પડકાર છે. સામાજિક કે પછી ફેમસ લોકોના નામના ફેક એકાઉન્ટ બનાવી તેમના પરિચિતોને મેસેજ મોકલી તેમની સાથે છેતરપિંડી કરી હોવાના અનેક કિસ્સા સામે આવે છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું Facebook પર ફેક એકાઉન્ટ બન્યું હોવાની વાત પોલીસના ધ્યાન પર આવી હતી. આ બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક કસોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ ફ્રોડ સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરાવી તાત્કાલિક અસરથી આ ઇસમ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવે છે. હાલ સાયબર પોલીસ દ્વારા આ ફેક Facebook એકાઉન્ટ બનાવનારા ઈસમને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વર્તમાન સમયમાં સાયબર ફ્રોડ એક મોટો પડકાર છે. લોકો સાથે અલગ અલગ રીતે ફ્રોડ કરવાની તરકીબો સાયબર ફ્રોડ શોધીને છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપતા હોય છે. કેટલીક વખત લોકોના ફેક એકાઉન્ટ બનાવી તેમના ફોટાનો ઉપયોગ કરી લોકોના સંબંધી પાસેથી પૈસાની માગણી કરી સાયબર ફ્રોડ થતું હોય છે અને ત્યારે આવી જ ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે કે, જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ Facebook પર બનાવવામાં આવ્યું હતું. માત્ર ગૃહ રાજ્યમંત્રીનું જ નહીં પરંતુ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું પણ Facebook એકાઉન્ટ બોગસ રીતે ફેસબુક પર બનાવ્યું હતું. જોકે આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનરને જાણ થતા જ તેમને તાત્કાલિક અસરથી આ બાબતે ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર મામલે હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિનું ફેક એકાઉન્ટ બન્યું હોય અને તેમના ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ અને પોલીસ દ્વારા આવા સાયબર ફ્રૉડો સામે કાર્યવાહી કરવામાં આવશે.
સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમુક સાયબર ક્રિમિનલ અમુક લોકોના જે જાણીતા ચહેરાઓ છે તેના ફેક એકાઉન્ટ બનાવતા હોય છે. ત્યારબાદ લોકોને ડાઉટ ન જાય તે પ્રકારના ફોટોગ્રાફ્સ અને પોસ્ટ તેના પર અપલોડ કરતા હોય છે અને ત્યારબાદ પોતાને કોઈ વસ્તુની જરૂરિયાત છે તેવા મેસેજ તેઓ લોકોને મોકલતા હોય છે અને ત્યારબાદ એક બે લોકો સાથે આ ઈસમો છેતરપિંડી કરતા હોય છે. જ્યારે જ્યારે આવી માહિતી સામે આવે છે ત્યારે આવા લોકો સામે અમે કાર્યવાહી પણ કરીએ છીએ અને તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરવામાં આવી હોય છે તેને પણ ડીલીટ કરાવવામાં આવતી હોય છે.
જો આવી કોઈ ઘટના જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો છે. કારણ કે જો તાત્કાલિક એક્શન ન લેવામાં આવે તો આ ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કર્યા બાદ લોકોના વોઇસ સાથે મેસેજ પણ કરતા હોય છે અને લોકો આ વોઇસ ને ખરેખર પોતાના સંબંધિત કે પરિચિત નો વોઇસ સમજી લેતા હોય છે. એટલા માટે જ આ પ્રકારનો કોઈ પણ કિસ્સો સામે આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરો. આ પ્રકારની ઘટના મારા ધ્યાને અને ગૃહ મંત્રીના ધ્યાને આવી છે અને આવા કિસ્સાઓમાં અમે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીએ છીએ. ઘણી વખત આ પ્રકારના ફેક આઈડીઓથી લોકોની લાગણી દુભાય તે પ્રકારના ખોટા મેસેજ પણ મુકાઈ શકે છે જેથી કેટલાક લોકો શિકાર પણ બની જતા હોય છે.
તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ બનાવી તેમાં પોસ્ટ કરનાર વ્યક્તિ સામે સુરત શહેર પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે અને આ બાબતે પોલીસ દ્વારા આ ઈસમને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.