July 2, 2024

અમદાવાદમાં રમાશે CPL ટૂર્નામેન્ટ, ગુજરાતની પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગમાં ભાગ લેશે 6 ટીમો

અમદાવાદ: ગુજરાતના યુવા ક્રિકેટ ટેલેન્ટને પ્રમોટ કરવા માટે ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા એસજીવીપી અમદાવાદ ખાતે પ્રથમ વખત છ ટીમો વચ્ચે ફ્રેન્ચાઇઝી બેઝ ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) ટૂર્નામેન્ટનું  આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓ ઉપર  વિવિધ નેશનલ ટૂર્નામેન્ટ માટે રાજ્યની ટીમની પસંદ માટે સિલેક્ટર્સની નજર પણ રહેશે.

મળતી માહિતી અનુસાર જીસીએના ભૂતપૂર્વ પ્રમુખ તથા સંસદ સભ્ય નરહરિ અમીન ગુજરાતનાં ભૂતપૂર્વ રણજી ટ્રોફી કેપ્ટન કિરીટ દામાણી, અને બીસીસીઆઇના ભૂતપૂર્વ સભ્ય હિતેશ પટેલના સહકાર અને માર્ગદર્શન હેઠળ આ ટૂર્નામેન્ટ ચિરીપાલ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે પ્રથમ વખત છ ટીમો વચ્ચે ફ્રેન્ચાઇઝી બેઝ ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) ટૂર્નામેન્ટનું  આયોજન કરવામાં આવ્યું છે. જે 19 મે થી 2 જૂન 2024 સુધી રમાશે.  છ ટીમોમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ તથા ગાંધીનગર લાયન્સ સમાવેશ થાય છે. જેમાં રણજી ટ્રોફી રમતા ખેલાડીઓનો સમાવેશ પણ થાય છે .

ગુજરાતના ભૂતપૂર્વ રણજી ટ્રોફી સુકાની કિરીટ દામાણી આયોજન સમિતિનો હિસ્સો બન્યા છે. જીસીએના ભૂતપૂર્વ જોઇન્ટ સેક્રેટરી તથા બીસીસીઆઇના ભૂતપૂર્વ સભ્ય હિતેશ પટેલની ટૂર્નામેન્ટ ડાયરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. જીસીએના ભૂતપૂર્વ પ્રમુખ તથા સંસદ સભ્ય નરહરિ અમીને જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટના આયોજક રોનક ચિરીપાલે યુવા માટે જે ઉત્તમ પ્લેટફેર્મ પૂરું પાડયું છે તેનો મને આનંદ છે. ચિરીપાલ સ્પોર્ટસ વેન્ચર્સ અને ફાઉન્ડેશનના ડાયરેક્ટર અને ટુર્નામેન્ટના આયોજક ‘રોનક ચિરીપાલે’ જણાવ્યું કે “પ્રત્યેક ગુજરાતીમાં ચેમ્પિયનનું હ્રદય ધબકે છે જે ક્રિકેટની દુનિયામાં છવાઇ જવા માટે આતુર છે.

આ પ્રીમિયર લીગ ખેલાડીઓ માટે માત્ર પ્લેટફોર્મ નથી. પરંતુ યુવા ટેલેન્ટને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપી રહી છે. આ ટૂર્નામેન્ટમાં વિજેતા ટીમને 5 લાખ, રનર્સ-અપને 2.5 લાખ, મેન ઓફ્ ધ સિરીઝને 51 હજાર તથા મેન ઓફ ધ મેચને 10 હજાર રૂપિયાનો પુરસ્કાર અપાશે. ટૂર્નામેન્ટ દરમિયાન હાઇએસ્ટ વિકેટ, રન તથા કેચ કરનાર ખેલાડીને 25 -25 હજાર રૂપિયાનું ઇનામ અપાશે. આ ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓ ઉપર  વિવિધ નેશનલ ટૂર્નામેન્ટ માટે રાજ્યની ટીમની પસંદ માટે સિલેક્ટર્સની નજર પણ રહેશે.