January 27, 2025

રાજકોટના સોખડા ગામે મહિલા પર એસિડ અટેકના મામલે કોર્ટનો ચૂકાદો, મહિલાને ૩ લાખનું વળતર

ઋષિ દવે, રાજકોટ: રાજકોટના સોખડા ગામમાં મહિલા પર એસિડ અટેકનો કરવાના મામલામાં ન્યાયપાલીકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભોગ બનનાર મહિલાને તાત્કાલિક ૩ લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. વિક્ટિમ કમ્પ્નશેસન ફંડમાંથી ૩ લાખનું વળતર ચૂકવવામાં આવશે. ડિસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ભોગ બનનાર મહિલાની મુલાકાત પણ લીધી હતી. ભોગ બનનાર મહિલા વર્ષાબેન ગોરીયાની તબીબી સારવારની પણ જાણકારી લીધી હતી. આ કેસમાં પોલીસે આરોપી પ્રકાશ સરવૈયાની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં પ્રકાશ સરવૈયા મહિલાના ઘરે ગયો હતો અને બરણીમાં એસિડ ભરી એસિડ ફેંકી હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના મોઢાનો ભાગ 25 ટકા જેટલો દાઝી ગયો હતો. જ્યારે છાતી, વાંસો અને સાથળના ભાગે પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. પિતરાઈ બહેન સાથે સગાઈ કરાવ્યા બાદ પિતરાઈ બહેન અન્ય શખ્સ સાથે ભાગી જતા આરોપી પ્રકાશ સરવૈયા અવાર નવાર તારી બહેન ક્યાં છે તેનું સરનામું આપ અને તેને પરત લઈ આવે તેવું કહેતો હતો. જેનો ખાર રાખી મહિલા પર એસિડ એટેક કરી બદલો લીધો હતો.