November 26, 2024

દરેક આતંકી સંગઠનને જડબાતોડ જવાબ આપીશું, બંધારણ દિવસ પર PM મોદી

PM Modi On Constitution Day: આજે બંધારણ દિવસના અવસર પર PM મોદી (Narendra Modi) સુપ્રીમ કોર્ટ પહોંચ્યા અને અહીં સંબોધન કર્યું. વડાપ્રધાને તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી. એમ પણ કહ્યું કે હું ભારતના બંધારણ અને બંધારણ સભાના તમામ સભ્યોને આદરપૂર્વક નમન કરું છું. વધુમાં પીએમ મોદીએ મુંબઈ હુમલાની વર્ષગાંઠનો પણ ઉલ્લેખ કર્યો. PMએ કહ્યું કે આપણે એ ભૂલી શકીએ નહીં કે આજે મુંબઈ હુમલાની વર્ષગાંઠ છે, હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. લોકતાંત્રિક વ્યવસ્થાને પડકારનારા દરેક આતંકવાદી સંગઠનને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણા બંધારણે રસ્તો બતાવ્યો
પીએમએ વધુમાં કહ્યું કે બાબા સાહેબ જે દુઃખની વાત કરતા હતા તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા બંધારણના ઘડવૈયાઓ જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ નવી ઊંચાઈઓ પર પહોંચશે. છેલ્લા 75 વર્ષમાં દેશે જે પડકારોનો સામનો કર્યો છે તેનો માર્ગ આપણા બંધારણે બતાવ્યો છે. આ દરમિયાન ઈમરજન્સી પણ આવી. જમ્મુ-કાશ્મીરમાં આજે પ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી દેશમાં લોકોમાં આર્થિક અને સામાજિક સમાનતા લાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. 10 વર્ષમાં 4 કરોડ લોકોને મકાન મળ્યા છે.

પીએમએ કહ્યું કે બંધારણમાં આપણી તમામ સમસ્યાઓનો ઉકેલ છે. મોટા સંકલ્પો પૂરા કરવાનો આ સમય છે. બંધારણની મૂળ નકલમાં શ્રી રામ અને માતા સીતાની તસવીરો છે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે નારી શક્તિ વંદન કાયદો લાવવામાં આવ્યો હતો. એક સમય હતો જ્યારે વરિષ્ઠ નાગરિકોને પેન્શન લેવા માટે બેંકમાં જવું પડતું હતું અને સાબિત કરવું પડતું હતું કે તેઓ જીવિત છે, આજે કામ ઘરે બેસીને થાય છે. દેશના લોકોને 5 લાખ રૂપિયા સુધીનો મફત વીમો આપવામાં આવે છે.

મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે બંધારણે મને જે કામ આપ્યું છે તે પ્રમાણે મેં કામ કર્યું છે. મેં મારી સત્તાની મર્યાદામાં રહીને મારી જવાબદારીઓ પૂરી કરી છે. મેં કોઈના અધિકારક્ષેત્રમાં અતિક્રમણ કર્યું નથી. આવા સમયે, એક સંકેત પૂરતો છે. આનાથી વધુ હું કશું કહીશ નહીં… આભાર.