November 26, 2024

બલિયા પેસેન્જર એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી દેવાનું કાવતરું, ત્રણની ધરપકડ

Train Derailment Conspiracy: કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસમાં બ્લાસ્ટ કરવાના ષડયંત્રની ઘટના બાદ, 10 સપ્ટેમ્બરની રાત્રે, ગાઝીપુર સિટી-ગાઝીપુર ઘાટ સ્ટેશન વચ્ચેની રેલ્વે લાઇનના પાટા પર ત્રણ મીટર સુધી પથરા મૂકવાનો અને પ્રયાગરાજ-બલિયા પેસેન્જરના એન્જિન પર પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. RPFએ બુધવારે રાત્રે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછ બાદ ત્રણેયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ગાઝીપુર સિટી અને ગાઝીપુર ઘાટ સ્ટેશન વચ્ચેના ઓવરબ્રિજની નીચે રેલવે ટ્રેક પર લગભગ ત્રણ મીટર પથરા મૂકવામાં આવ્યા હતા. રાત્રે 9.15 કલાકે પ્રયાગરાજ બલિયા પેસેન્જર ટ્રેન આ પથરા પરથી પસાર થઈ ગઈ હતી. લોકો પાયલોટને પાટા પર પથરા મૂકવાનો ખ્યાલ આવ્યો. આ દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનના એન્જિન પર પથ્થરમારો પણ કર્યો હતો. લોકો પાયલટે ઘાટ સ્ટેશન પર પહોંચ્યા બાદ મેમોમાં આ માહિતી આપી હતી. સ્ટેશન માસ્ટર પવન કુમારે પણ આ ઘટનાના સંબંધમાં RPF ગાઝીપુર સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

3 આરોપીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા 
RPF એ આ અંગે જિલ્લા પોલીસ અધિકારીઓને પણ જાણ કરી હતી. ત્યારબાદ, પોલીસે ઘટનાસ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં RPFના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અમિત કુમાર રાયના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી અને આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બુધવારે રાત્રે બાતમી મળી હતી કે દરરોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ત્રણ છોકરાઓ આવીને સ્થળ પાસે બેસીને નશો કરે છે. ટીમ તાત્કાલિક રેલવે ઓવરબ્રિજ પાસે પહોંચી હતી અને ત્રણેયની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ દાનિશ અંસારી (18), સોનુ કુમાર (20) અને આકાશ કુમાર (22) તરીકે થઈ છે, જે શહેર કોતવાલી વિસ્તારના ચક ફૈઝ છત્રીના રહેવાસી છે. ત્રણેયને ગુરુવારે રેલવે મેજિસ્ટ્રેટ વારાણસી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આરોપીઓએ કબૂલી પથ્થરો મૂકવાની વાત
RPFના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ દરરોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ આવતા હતા અને રેલવે ટ્રેક પર ગાંજાનું સેવન કરતા હતા. ગાંજાના નશાના કારણે ત્રણેય જણાએ ટ્રેક પર પથરા મૂક્યા હતા અને મોજ-મસ્તી કરવા માટે ટ્રેન આવતા જ એન્જિન પર પથ્થરમારો કર્યો હતો.