November 25, 2024

પાલનપુરમાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 10,000થી વધુનું માનવ મહેરામણ ઉમટ્યું

અમદાવાદ: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ ખાતે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની ‘નવમી અજાયબી’ સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સાથે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ & કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેક  પ્રવૃત્તિઓ સાથે આસ્થા-એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે.
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગતજનની મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ-મે માસમાં બનાસકાંઠા જીલ્લાના દરેક ગામ-તાલુકા સ્તરે થવા જઈ રહેલ છે, તેના જાગૃતિ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જીલ્લાની વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જીલ્લામાં VUF-બનાસકાંઠા જીલ્લા સંગઠન દ્વારા ભવ્ય  ‘મહાસંમેલન’નું રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું.
પાલનપુરના 31 ગામ કડવા પાટીદાર સમાજની વાડીમાં પાલનપુર જિલ્લામાંથી 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા. જેમાં ખાસ કરી પાલનપુર જિલ્લાના વિવિધ ગામોથી મહિલાઓ ઉમટી હતી. વિશ્વઉમિયાધામના મહાસંમેલનમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિશ્વઉમિયાધામના પ્રણેતા પ્રમુખ આર.પી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંદિરો ભજન-કીર્તનની સાથે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના કેન્દ્રો બનેઃ  આર.પી.પટેલ
આ કાર્યક્રમમાં  લોકસભા ચૂંટણીને લઈ પુછવામાં આવેલા પ્રશ્નમાં સંસ્થા પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં જે રાજકીય પાર્ટી સનાતન ધર્મની સાથે છે વિશ્વઉમિયાધામ અને પાટીદારો તેની સાથે છે. પાટીદારો નહીં પરંતુ સમસ્ત સમાજ એ રાજકીય પાર્ટી સાથે હશે. હિન્દુ વિરોધી માનસિકતા વાળા લોકોની સામે સનાતન સાથે જોડાયેલી પાર્ટી સાથે પાટીદારો જોડાયેલા રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે મંદિરો ભજન-કીર્તનની સાથે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના કેન્દ્રો બને તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ.
મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચુ મંદિરએ આપણા સૌ માટે ગૌરવની વાતઃ ઋષિકેશ પટેલ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામએ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા છે. અહીં  એક હજાર કરોડના ખર્ચે મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊચું મંદિર બની રહ્યું છે તે આપણા ગૌરવની વાત છે. સાથે જ અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે તે પણ મહત્વ પૂર્ણ છે.