November 23, 2024

પૂરથી આસામથી બગડી હાલત, 22 લાખ લોકોને અસર, 92 વન્યજીવોના મોત

Assam Flood: આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પૂર્વોત્તર રાજ્યની મહત્વની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને લગભગ 22 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ડિબ્રુગઢમાં અનેક પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. રાજ્યના 29 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે. સ્થિતિ એવી છે કે આસામ તાજેતરના વર્ષોમાં સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે.

આ વર્ષે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 62 લોકોના મોત
આસામમાં પૂરને કારણે મોતને ભેટેલા વન્યજીવોની સંખ્યા વધીને 92 થઈ ગઈ છે. જ્યારે 95 વન્યજીવોને બચાવી લેવામાં આવ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા શુક્રવાર સુધીમાં 77 વન્યજીવોના મોતની માહિતી સામે આવી હતી. રાજ્યમાં આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મોતને ભેટેલ લોકોની સંખ્યા વધીને 62 થઈ ગયો છે જ્યારે ત્રણ લોકો લાપતા છે. તેમાંથી 52 લોકો પૂરમાં અને અન્ય 12 લોકો ભૂસ્ખલન અને તોફાનને કારણે મૃત્યુ પામ્યા હતા. ધુબરી જિલ્લો રાજ્યમાં પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે, અહી 6.48 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. જ્યારે, દરાંગ જિલ્લામાં 1.90 લાખ લોકો અને કછાર જિલ્લામાં 1.45 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

આસામ મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે ગંભીર પૂરગ્રસ્ત ડિબ્રુગઢ જિલ્લાથી પરત ફર્યા બાદ મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. મુખ્યમંત્રીએ કહ્યું, ‘ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી, અમે ‘આસામ આરોગ્ય નિધિ – એક સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના’ સહિત અનેક બાબતોની સમીક્ષા કરી. સરમાએ એમ પણ કહ્યું કે તેમણે અધિકારીઓને ખાસ કરીને ‘રેરેસ્ટ કેસો અને એવા લોકોની અરજીઓને પ્રાધાન્ય આપવા કહ્યું છે જેઓ હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા નથી.’