December 12, 2024

દિલ્હીવાસીઓ ઠંડીથી ઠુંઠવાયા… UPના 40થી વધુ જિલ્લામાં વરસાદનું એલર્ટ

Delhi: દેશના હવામાનની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા જોવા મળી છે, જેની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. મેદાની રાજ્યોમાં ઠંડીમાં વધારો થયો છે. રવિવારે વરસાદ અને રાત્રે જોરદાર પવન ફૂંકાયા બાદ દિલ્હીનું વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. હવામાન વિભાગે મંગળવારે મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. અત્યારે દિલ્હીનું તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ છે.

વરસાદ બાદ દિલ્હી એનસીઆરમાં ઠંડીમાં વધારો નોંધાયો છે. જ્યાં લોકોએ જાડા જેકેટ પહેરવાનું શરૂ કરી દીધું છે. સોમવારે દિલ્હીમાં આ શિયાળાની સિઝનમાં સૌથી ઓછું તાપમાન હતું. લોકોએ આ સિઝનમાં પહેલીવાર ઠંડીનો અહેસાસ કર્યો હતો. સોમવાર આ શિયાળાનો સૌથી ઠંડો દિવસ હતો. હવામાન વિભાગે દિલ્હીનું તાપમાન ઓછામાં ઓછું 5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. આગામી 48 કલાક સુધી ઉત્તર પ્રદેશના 40 થી વધુ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. આજે ઉત્તર પ્રદેશનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

જમ્મુ અને કાશ્મીરની હવામાન સ્થિતિ
જમ્મુ-કાશ્મીરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે અને ખીણના ઘણા વિસ્તારોમાં તાપમાન નીચે ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ કાશ્મીરમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે. જ્યારે 12 ડિસેમ્બરે ખીણના ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે. ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

 

આ પણ વાંચો: પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા