CM ભૂપેન્દ્ર પટેલે વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરીની સમીક્ષા કરી

વડનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરાતન નગર સંસ્કૃતિની વિરાસત ધરાવતા ઐતિહાસિક નગર વડનગરમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે હાથ ધરાઈ રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા વડનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ હાટકેશ્વર મહાદેવના લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતના અન્ય વિકાસ કામોના લોકાર્પણ કરીને સંબંધીત વરિષ્ઠ અધિકારીઓ-સચિવો સાથે આ બેઠક યોજી હતી. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિતના વિભાગો દ્વારા વડનગરમાં જે વિકાસ કામોના પ્રોજેક્ટસ હાથ ધરાઇ રહ્યા છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં વડનગર, મોઢેરા સર્કિટ સ્વદેશ દર્શન સ્કીમ અંતર્ગત વિકસાવવા અંગે, હેરિટેજ વિસ્તાર વિકાસ કામો અંગે તેમજ પ્રેરણા સ્કૂલ પરિસર, રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ અને ટ્રાન્સપોર્ટ હબ કિર્તિતોરણ સહિતના વડનગરના દર્શનીય અને પુરાતત્વીય સ્થળોના સમય અનુરૂપ વિકાસની કામગીરીનું વિવરણ કરવામાં આવ્યું હતું.
પ્રવાસન વિભાગ દ્વારા 16 જેટલા પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 6 પ્રગતિમાં છે તે સંદર્ભે પણ બેઠકમાં ચર્ચા-પરામર્શ થયા હતા. શહેરી વિકાસ વિભાગ દ્વારા હેરિટેજ વિસ્તાર વિકાસ કામો, ટ્રાન્સપોર્ટ હબ નિર્માણ તથા વડનગરમાં સ્વચ્છતા-સફાઈ સહિતની બાબતોમાં હાથ ધરાયેલી કામગીરીથી મુખ્યમંત્રીને માહિતગાર કરાયા હતા.
આ વર્ષ દરમિયાન વડનગરની મુલાકાત 6 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી છે તે અંગેની વિગતો જાણીને મુખ્યમંત્રીએ વડનગરની સતત વધતી લોકપ્રિયતાની પણ નોંધ લીધી હતી.
વડનગર શહેરમાં સોલરાઇઝેશન માટે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા થયેલી કાર્યવાહી તેમજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમની મુલાકાતે આવનારા પ્રવાસીઓને સુવિધાઓ તથા વધુને વધુ લોકો આ સ્થળે મુલાકાતે આવે તે માટેની પ્રમોશનલ એક્ટિવિટીઝ સંદર્ભે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રેઝન્ટેશનનું તલસ્પર્શી નિરીક્ષણ કરીને વિકાસકામોના પ્રોજેક્ટસ ઝડપી પૂર્ણ થાય તે દિશામાં વરિષ્ઠ અધિકારીઓને માર્ગદર્શક સૂચનો કર્યા હતા.