CM ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRના વિકાસના કામોની સમીક્ષા કરી, એક્સપ્રેસ-વેની 95 ટકા કામગીરી પૂર્ણ

ભાવનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRના સર્વાંગી વિકાસના હાથ ધરાયેલા કામોની પ્રગતિની સ્થળ પર પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવ અને મુખ્ય સલાહકાર સહિતના વરિષ્ઠ સચિવો સાથે ધોલેરાના વિવિધ પ્રોજેક્ટસની માહિતી મેળવી હતી. જેમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ છે, ભીમનાથ-ધોલેરા ફ્રેઈટ રેલવેલાઈન સહિત હોસ્પિટલ-સ્કૂલ-ફાયર સ્ટેશન-આવાસીય સુવિધાના કામો પ્રગતિમાં છે. 300 મેગા વોટ સોલાર પાર્ક સહિત રોડ-અંડરગ્રાઉન્ડ સુવિધાઓ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલીટીઝ પૂર્ણ થયું છે. CMએ ધોલેરા SIRના 12 જેટલા પ્રોજેક્ટસ ડેવલોપર્સ પાસેથી તેમના પ્રોજેક્ટસની પ્રગતિની પણ માહિતી મેળવી હતી.

Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા SIRના સર્વાંગી વિકાસના કામોની પ્રગતિની પ્રત્યક્ષ સમીક્ષા ધોલેરાની સ્થળ મુલાકાત લઈને કરી હતી. રાજ્યના વિવિધ વિકાસલક્ષી કાર્યોના મોટા પ્રોજેક્ટસની પ્રગતિ અને કામગીરીના નિરીક્ષણ તથા જરૂરી માર્ગદર્શન માટે આવા પ્રોજેક્ટસની સાઈટ મુલાકાતનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ ઉપક્રમે આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ PM નરેન્દ્ર મોદીની માર્ગદર્શનથી ગુજરાતમાં આકાર પામી રહેલા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના ધોલેરા SIR અને સ્માર્ટ સિટીના વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની સમીક્ષા માટે ધોલેરામાં રીવ્યુ બેઠક પણ યોજી હતી.

Image

આ રીવ્યુ બેઠકમાં ધોલેરા SIRના CEO અને ધોલેરા ઈન્ડસ્ટ્રીયક સિટી ડેવલ્પમેન્ટ લિમીટેડના એમ.ડી. કુલદીપ આર્યએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવઓ સમક્ષ વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું. મુખ્યમંત્રી સમક્ષના આ પ્રેઝન્ટેશનમાં માળખાકીય સુવિધાના મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ અંગેની વિગતો આપતા જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેની 95 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકી રહેલી કામગીરી અંગેની વિગતો મેળવવા સાથે આ કામો સમય બદ્ધ અને ગુણવત્તા યુક્ત પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

Image

ધોલેરામાં રોડ-રસ્તા, અંડર ગ્રાઉન્ડ ફેસીલીટીઝ, પ્લગ એન્ડ પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તમામ સુવિધા પુરી થઈ ગઈ છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ABCD બિલ્ડીંગ જેવી માળખાકીય સુવિધાના કામો પણ પૂર્ણ થઈ ગયા છે. તેમજ 300 મેગા વોટનો સોલાર પાર્કની પણ કામગીરી પૂરી થઈ છે તેની વિગતો મુખ્યમંત્રી સમક્ષ CEO કુલદીપ આર્યએ આપી હતી.

Image

ધોલેરા SIRમાં જે કાર્યો પ્રગતિ હેઠળ છે તેની વિગતો પ્રેઝન્ટેશનમાં આપતા જણાવવામાં આવ્યું હતું કે, ભીમનાથ ધોલેરા ફ્રેઈટ રેલ્વેલાઈન, 192 બેડની હોસ્પિટલ, 12માં ધોરણ સુધીની શાળા, ફાયર સ્ટેશન અને ઇન્વેસ્ટર્સ માટે આવાસીય સુવિધાના કામો હાલ ચાલી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની નેમ રાખી છે. ગુજરાત પણ તેમાં સૂર પુરાવતાં CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દેશનું સેમિકન્ડક્ટર બનવા માટે સેમિકન્ડક્ટર ઉત્પાદનની ઇકો સિસ્ટમ સાથે સજ્જ છે. આ સંદર્ભમાં CMના દિશાદર્શનમાં ધોલેરા સ્માર્ટ સિટીને “સેમીકોન સિટી” તરીકે વિકસાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

Image

રાજ્ય સરકારે ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ઈકો સિસ્ટમ ઊભી કરવાની જે મુહિમ ઉપાડી છે. તેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિકન્ડક્ટર નિર્માતા ઉદ્યોગ-કંપનીઓ પોતાના યુનિટસ સ્થાપી રહી છે.

ધોલેરા SIR ખાતે પ્રગતિમાં હોય તેવા 12 જેટલા પ્રોજેક્ટસ ડેવલપર્સે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પોતાના પ્રોજેક્ટસની પ્રગતિ તેમજ બાંધકામ આયોજન સહિતના ભવિષ્યના રોડમેપનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

Image

ટાટા ઇલેક્ટ્રોનિક્સનો જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરા સેમિકોન સિટીમાં સ્થાપવામાં આવ્યો છે. તે પ્લાન્ટ પ્રગતિ અને નિર્માણની સ્થિતીની સમીક્ષા પણ મુખ્યમંત્રીએ ટાટાના અધિકારીઓ સાથેની બેઠકમાં કરી હતી અને પ્લાન્ટની મુલાકાત પણ લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સેમિકોન સિટીમાં નિર્માણાધિન હોસ્પિટલ, સ્કુલ, ફાયર સ્ટેશન, રેસીડેન્સિયલ કોમ્પ્લેક્સ, ટેન્ટ સિટી અને ફૂડ કોર્ટ સહિતના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

તેમણે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ સ્થળ મુલાકાત લઈને રૂપિયા 1350 કરોડના અંદાજિત ખર્ચ સાથે નિર્માણ થઈ રહેલા કાર્ગો બિલ્ડીંગ, ટર્મિનલ બિલ્ડીંગ અને રન-વે નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી.

Image

મુખ્યમંત્રીની આ ધોલેરા SIRની સ્થળ મુલાકાતથી ધોલેરા ઓથોરિટી તેમજ તેની SPVના અધિકારીઓ-કર્મચારીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધોલેરાની આ સમગ્ર સ્થળ મુલાકાત અને સાઈટ વિઝીટમાં મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સલાહકાર એસ.એસ રાઠૌર તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, વિજ્ઞાન અને પ્રદ્યોગિક વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, અમદાવાદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.