July 2, 2024

ડ્રેગનની ‘ચાલાકી’: G7 સમિટના નેતાઓ પર લગાવ્યો ચીનને બદનામ કરવાનો આરોપ

G7 Summit: ચીને ઈટાલીમાં યોજાઇ રહેલા G7 શિખર સંમેલનની આલોચના કરી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને G7 દેશો પર ચીન સંબંધિત મુદ્દાઓનો દુરુપયોગ કરીને ચીનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. G7 શિખર સંમેલનમાં ચીનના નિવેદનને લઈને લિન જિયાને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

લિન જિયાને કહ્યું કે G7 સંમેલનમાં નેતાઓ ચીન સંબંધિત મુદ્દાઓનો ઉપયોગ ટીકા કરવા અને ચીન પર પ્રહારો કરવા માટે કર્યો છે. એવા ખોટા આરોપોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો કોઈ જ આધાર નથી. આ માત્ર અને માત્ર જુઠ્ઠાણાંથી ભરેલા છે. તેમણે G7 સમિટની ટીકા કરતાં કહ્યું કે આ સમિટ વિશ્વનું પ્રતિનિધિત્વ નથી કરતું. આ 7 દેશોમાં વિશ્વની માત્ર 10 ટકા વસ્તી રહે છે. આ તમામની એક સાથે ગણતરી કરવામાં આવે તો પણ તેમની વૈશ્વિક આર્થિક વિકાસમાં તેમની ભાગીદારી ચીન કરતાં ઓછી છે.

G7 પોતાના હેતુથી વિમુખ થયું છે: લિન જિયાન

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુજબ G7 લાંબા સમયથી પોતાના હેતુઓથી વિમુખ થઈ ગયું છે. આ અમેરિકા અને પશ્ચિમી દેશોનું વર્ચસ્વ જાળવી રાખવા માટે એક રાજકીય હથિયાર બની ગયું છે. તે પોતાના નિયમો અને નિર્ણયોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર આંતરરાષ્ટ્રીય નિયમના ઉદ્દેશ્ય અને સિદ્ધાંતોથી ઉપર રાખે છે. લિન જિયાને G7 પર સૈન્ય યુદ્ધાભ્યાસ અને પ્રાદેશિક હસ્તક્ષેપના માધ્યમથી તણાવ વધારવાનો આરોપ લગાવ્યો છે. સ્પેશિયલ ગ્રુપ બનાવીને જુદા જુદા ગ્રુપ્સને ભ્રમિત કરે છે. તેમણે આગળ કહ્યું કે આ પ્રકારની કાર્યવાહીઓ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને નબળી બનાવે છે.