February 19, 2025

પરિવારનો દુશ્મન બન્યો જ પરિવારનો મોભી…, જાણો સમગ્ર ઘટના

જનક દવે, અમદાવાદ: 07 ફેબ્રુઆરીના રોજ એક્સપ્રેસ હાઈવે પર ત્યજી દેવાયેલુ પાંચ વર્ષનું બાળક મળી આવ્યુ હતું. આ બાળકની હત્યા કરવાના પ્રયાસ રૂપે આણંદ એક્સપ્રેસવે પર ચાલુ ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યો હતો. બાળકને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને પગ તોડી નાંખવામાં આવ્યા હતા. બાળક બેભાન થતાં તે મરી ચૂક્યું છે, એમ માનીને હુમલાખોર ત્યાંથી નીકળી ગયો હતો. જોકે કુદરતને કઈંક બીજું જ મંજૂર હતું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, આણંદ પોલીસને એક બાળકની લાશ મળી હોવાની માહિતી મળી, જોકે બાળકને હોસ્પિટલ લઈ જવાયો, બાળક જીવતો હોવાથી ડૉક્ટર્સે તુરંત બાળકની સારવાર શરૂ કરી. બાળક હોશમાં આવતાં પૂછપરછ શરૂ કરવામાં આવી. બાળકની પૂછપરછમાં જણાવા મળ્યું કે તેમના પિતાનું નામ ઉદય છે. બાળકના જણાવ્યા અનુસાર, તેમના પિતા અને સૌતેલી માંએ તેને મારીને ફેંકી દીધો હતો.

પ્રદીપસિંહે વીજળી વેગે કડીઓ જોડી…
આ માહિતી નડિયાદના પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપસિંહને મળી હતી. પ્રદીપસિંહના દિમાગમાં એક સળવળાટ થયો. 06-ડિસેમ્બર 2022માં નડિયાદ પાસે આજ રીતે એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી અને આ બાળકીની પાસે એક મહિલાની પણ લાશ હતી. પ્રદીપસિંહે વીજળી વેગે કડીઓ જોડી. પ્રદીપસિંહે બાળકની વાતચીત બે વર્ષ પહેલા મળી આવેલી ખુશી સાથે કરાવી. વિડીયો કોલમાં સામે છેડે કનૈયાને જોઈને ખુશી ઊછળી પડી અને બોલી આ મારો ભાઈ છે. હવે કનૈયા અને ખુશી ભાઈ બહેન છે એ નક્કી થઈ ચૂક્યું હતું. એમનો પિતા ઉદય ક્યાં હશે એ શોધવાનું હતું. કોન્સ્ટેબલ પ્રદીપસિંહે એક્સપ્રેસવે પર 07-ફેબ્રુઆરી 2025 અને 06-ડિસેમ્બર 2022ની તારીખનાં મોબાઈલ ડેટાનું એનાલિસિસ કર્યું. જેમાં કેટલાક નંબર સંદિગ્ધ મળ્યા. એ નંબરના વેરિફિકેશન કરતાં ઉદયનો ડેટા મળી ગયો. ઉદયના નંબર પર નજર રાખતા અમદાવાદની સોનીની ચાલીનું લોકેશન મળ્યું. ત્યાર બાદ પોલીસ તુરંત સોનીની ચાલી પહોંચી અને ઉદયને ઉઠાવવામાં આવ્યો.

દીકરાની પણ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો…
પૂછપરછમાં ઉદયે બંને બાળકો તેના હોવાનું સ્વીકાર્યું. આ સાથે બાળકીની પાસે મળી આવેલી લાશ અંગે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, એ ઉદયની પહેલી પત્ની હતી અને ખુશી અને કનૈયાની માતા હતી. ઉદયને એક મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો એટલે એણે એની પત્નીની અને દીકરી ખુશીની હત્યાનો પ્લાન બનાવ્યો, જોકે દીકરા કનૈયાને સાથે રાખ્યો હતો. અમદાવાદમાં આવી પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા, જોકે પ્રેમિકાને દીકરો પસંદ ના આવતાં દીકરાની પણ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પત્નીની હત્યાના કેસમાં આઝાદ રહેતા ઉદયને વિશ્વાસ આવી ગયો હતો કે દીકરાની હત્યા બાદ પણ એ પકડાશે નહીં, એટલે એણે એજ મોડસઓપરેન્ડી અપનાવી. જોકે કોન્સ્ટેબલ પ્રદીપસિંહની સતર્કતાએ હત્યારા ઉદયનો આખો ખેલ ઊંધો કરી દીધો.

પોઇન્ટરમાં સમજો સમગ્ર મામલો…

  • 07 ફેબ્રુઆરી 2025ના રોજ એક્સપ્રેસ હાઈવે પર ત્યજી દેવાયેલું બાળક મળી આવ્યુ હતું.
  • ડિસેમ્બર 2022માં નડિયાદ પાસે એક્સપ્રેસવે પર મહિલાની હત્યા કરાયેલી લાશનો મળી હતી.
  • ખેડા એલસીબી પોલીસે અમદાવાદમાં સોનીની ચાલી વિસ્તારમાંથી ઉદય વર્મા નામના આરોપીની ધરપકડ કરી.
  • મૂળ પ્રતાપગઢ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ઉદય પ્રેમચંદ્ર વર્મા.
  • આરોપી ઉદયે જ બંને ગુનાને આપ્યો હતો અંજામ.
  • ડિસેમ્બર 2022માં તેની પ્રથમ પત્ની સાયરા બાનુના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધની આશંકા રાખી કરી હતી હત્યા.
  • નડિયાદ પાસે એક્સપ્રેસ વે પર હત્યા કર્યા બાદ પત્નીની લાશ પાસે દીકરી ખુશીને પણ મારી ગઈ હોવાનું સમજી છોડી ને ભાગી ગયો હતો.
  • ઘટના બાદ તે દોઢ વર્ષના દીકરા કનૈયા સાથે ઉત્તર પ્રદેશ જતો રહ્યો હતો.
  • એક વર્ષ બાદ અમદાવાદ પરત ફર્યો હતો.
  • અમદાવાદ આવ્યા બાદ તેણે અન્ય યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા.
  • પરંતુ બીજી પત્નીને દીકરો કનૈયા પસંદ ન હતો અને અવારનવાર તે કનૈયાને માર મારતી હતી.
  • ઉદયને પણ અવારનવાર ચઢાવણી કરી કનૈયાને માર મરાવતી હતી.
  • આખરે 7-ફેબ્રુઆરીના રોજ કનૈયાને વાસદ પાસે ફેંકી દઈ દંપતી ફરાર થઈ ગયા હતા.
  • કોન્સ્ટેબલ પ્રદીપસિંહની સતર્કતાએ હત્યારા ઉદયનો આખો ખેલ ઊંધો કરી દીધો.