22 વર્ષના સંશોધન બાદ શોધાઈ કેરીની નવી જાત, બે વૈજ્ઞાનિકોને ‘શ્રેષ્ઠ સંશોધન પુરસ્કાર’

છોટા ઉદેપુરઃ 22 વર્ષના લાંબા સમયના લાંબા સંશોધન બાદ કેરીની નવી જાત વિકસાવવામાં બે વૈજ્ઞાનિકને સફળતા મળી છે. જબુગામ ખાતે કૃષિ મહાવિદ્યાલના કૃષિ વૈજ્ઞાનિક ડો. વિનોદ મોર અને ડો. એચસી પરમારને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ સંશોધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રીએ પત્ર વ્યવહારથી તેમને અભિનંદન પાઠવ્યા છે.

22 વર્ષના લાંબા સંશોધન બાદ ખેડૂતો અને ગ્રાહકોની માગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આણંદ કૃષિ યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય માટે ‘આણંદ રસરાજ’ (ગુજરાત કેરી 1) નામની કેરીની નવી જાત વિકસાવવામાં આવી છે. આ કેરી છોટા ઉદેપુર જિલ્લાના જબુગામ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે અસ્તિત્વમાં આવી છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીએ કેરીની નવી જાત વિકસાવી છે અને ખેડૂતો માટે બહાર પાડી છે. આ જાત ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન, આ આંબાની નવી જાત ‘આણંદ રસરાજ’ બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. તદુપરાંત, આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે. તથા દર વર્ષે ફળ બેસે છે અને લગભગ 110 દિવસે પાકી જાય છે.

ગુજરાતમાં લગભગ 22 વર્ષના લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવવામાં આવી છે. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. કેબી કથીરિયા તેમજ સંશોધન નિયામક ડૉ. એમકે ઝાલાની પ્રેરણાથી કૃષિ સંશોધન કેન્દ્ર જબુગામમાં કૃષિ મહાવિદ્યાલના કૃષિ વૈજ્ઞાનિક ડો. વિનોદ મોર અને ડો એચસી પરમારને રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ સંશોધન પુરસ્કાર એનાયત થયો હોવાથી રાજ્યના મુખ્યમંત્રીએ પત્ર વ્યવહાર લખી અભિનંદન પાઠવ્યા છે.