November 24, 2024

નર્મદા કિનારે વસતું આ ગામ પાણીથી તરસ્યું! તંત્રના આંખ આડા કાન

નયનેશ તડવી, છોટા ઉદેપુરઃ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં સૌથી પછાત છોટા ઉદેપુર જિલ્લાનો કવાંટ તાલુકો ગણાય છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી અને તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે. કવાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસ્કરી ફળિયામાં નિવાસ કરતા 30 પરિવારના 125 જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફાં મારી રહ્યાં છે. તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવ નેજે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચઢીને પહોંચી શકાયું હતું. તુરખેડા ગામના આ ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોએ આપવીતી જણાવી હતી.

નર્મદા નદીના કિનારે વસેલા આ બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે. નર્મદા નદીનું ડહોળું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચઢી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે. નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચઢવું મુશ્કેલ છે, ત્યારે મજબુત બાવડાંની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેડા ઉંચકી ટેકરા ચઢી પાણી લાવે છે. પરંતુ જાડી ચામડીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સત્તાધીશો આ ગામના લોકોની વેદના ક્યારે સમજશે તે પ્રશ્ન ઉભો થયો છે.

મૂળ તુરખેડા ગામ નર્મદા ડેમના ડૂબમાં જતાં અસરગ્રસ્તોને વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે. પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે. બસ્કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી. ત્યાંના બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી. જેને કારણે બાળકોએ શિક્ષણથી વંચિત રહેવું પડ્યું છે. આ ફળિયામાં 3 જેટલાં હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા હતા, પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેઇલ ગયા છે, જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબુર બનવું પડ્યું છે.

પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે, બે કિલોમીટર ચાર ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં બે-ત્રણ જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે. આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે. ન્હાવા-ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી બીક લાગતી હોય છે. પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી ગયા હોવાના બનાવ પણ બન્યા છે.