કાગળ પર કામ બતાવી ગ્રામ પંચાયતે લાખો રૂપિયા ચાંઉ કર્યા!
છોટા ઉદેપુરઃ જિલ્લાના બોડેલી તાલુકાની મોરખલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામ માત્ર કાગળ ઉપર દર્શાવી સ્થળ પર કામ કર્યા વગર રૂપિયા 50 લાખ ઉપાડી ગેરરીતિ કરી હોવાનો ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેની યોગ્ય તપાસ કરવા માટે અરજદાર અને ગ્રામજનો માગ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં એકપછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે ત્યારે વધુ એક કૌભાંડની તપાસ માટેની લેખિત રજૂઆત મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિત સોલંકીએ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારીને કરી છે. આ મામલે તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકીએ વર્ષ 2017થી વર્ષ 2022ના મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામની રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ માહિતી માગી હતી. તેમાં મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામની માહિતી આપવામાં આવી છે. આ મુજબના ગ્રામ પંચાયતમાં કામ ન જણાતા 15 જેટલા વિકાસનાં કામો કર્યા વગર જ નાણાંની ચૂકવણી થઈ ગઈ હોવાનો ઉલ્લેખ લેખિત અરજીમાં કરવામાં આવ્યો હતો. આ અંગે બોડેલી તાલુકા પંચાયતની ટીમ દ્વારા મોરખલા ગ્રામ પંચાયતમાં અરજદારને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરખલા જૂથ ગ્રામ પંચાયતમાં છગનભાઈ ફૂલાભાઈ નાયકાના ઘરે પાસે રૂપિયા અઢી લાખના ખર્ચે નાળું બનાવ્યાનું માગેલી માહિતીમાં બતાવવામાં આવ્યું છે, પરંતુ આ સ્થળ ઉપર નાળું બન્યું નથી. આદિવાસી ફળિયામાં રૂપિયા 2.50 લાખના ખર્ચે ગટર લાઈન બનાવવામાં આવેલી હોવાની માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ ફળિયામાં પણ કોઈ ગટર લાઈન બનાવવામાં આવી નથી.
આ ગામ સ્થાનિક આગેવાન રોહિતભાઈ પટેલ જણાવે છે કે, મોરખલા ગામના રાઠવા અને નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ પર રૂપિયા ત્રણ લાખના ખર્ચે કોઝ વે બનાવવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવ્યો નથી.
અરજદાર રોહિત સોલંકી જણાવી રહ્યા છે કે, મોરખલાથી કાછલાને જોડતાં રોડ પર રૂપિયા પાંચ લાખના ખર્ચે આરસીસી રોડનું કામ બતાવવામાં આવ્યું છે, પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને આ રોડ પર કોઈ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો નથી.
આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં કુલ 15 જેટલાં કામો કર્યા વગર જ કામો બતાવી તેના નાણાંની ચૂકવણી પણ દેવામાં આવી છે, તેવા ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે. મોરખલા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાનો આક્ષેપ કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમે તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી. તે દરમિયાન જ બે જૂથ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ થતા મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી. આ અંગે વિસ્તરણ આધિકારીએ હાલ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું છે.