November 22, 2024

છત્તીસગઢના સુકમામાં અથડામણ, સુરક્ષાદળોએ 10 નકસલવાદીઓને કર્યા ઠાર; AK-47 સહિતના હથિયાર જપ્ત

Chhattisgarh: છત્તીસગઢના સુકમામાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ભેજી વિસ્તારમાં હજુ પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલુ છે. સુકમાના એસપી કિરણ ચવ્હાણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમજ સ્થળ પરથી AK-47, SLR અને અન્ય હથિયારો મળી આવ્યા છે.

બસ્તરના આઈજી પી.સુંદરરાજે કહ્યું કે એક દિવસ પહેલા માહિતી મળી હતી કે નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ્યા છે. આ પછી સૈનિકો નક્સલવાદીઓને શોધવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન નક્સલીઓએ ભેજ્જીમાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક ગન અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે.

આ પણ વાંચો: ગુનાખોરી અટકાવવા સુરત પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું, ડ્રોનની મદદથી ચેકિંગ કરાયું

આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે
અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારમાં ડીઆરજી અને સીઆરપીએફની ટીમ સાથે નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જે વિસ્તારમાં જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે તે વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. નજીકમાં પર્વતો છે. આ એન્કાઉન્ટર કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારમ અને ભંડારપાદર ગામોની નજીકના જંગલોમાં થયું હતું.