ચેન્નાઈએ જીત સાથે IPL 2025ની શરૂઆત કરી, મુંબઈને ચાર વિકેટથી હરાવ્યું

CSK vs MI IPL 2025: IPL 2025ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. તેની સામે ચેન્નાઈએ 19.1 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા અને મેચ 4 વિકેટથી જીતી લીધી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2025ની શરૂઆત જીત સાથે કરી છે. 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોક ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર વિજય મેળવ્યો. ચેન્નાઈની ટીમે સીઝનની પહેલી જ મેચમાં પોતાનું વર્ચસ્વ બતાવ્યું. પહેલા બોલિંગ અને પછી શાનદાર બેટિંગથી મુંબઈની ટીમને હરાવી દીધી. CSKના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી ચેન્નાઈના બોલરોએ ભારે તબાહી મચાવી અને MIને ફક્ત 155 રનના સ્કોર પર રોકી દીધું. તે જ સમયે ચેન્નાઈની ટીમે 5 બોલ બાકી રહેતા આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું. આ રીતે તેણે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું પણ ખોલાવ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રની ઇનિંગ્સને કારણે ચેન્નાઈની ટીમને 156 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં. ગાયકવાડે 202ના સ્ટ્રાઇક રેટથી 26 બોલમાં 53 રનની શાનદાર ઇનિંગ રમી. જ્યારે રચિને 144ના સ્ટ્રાઇક રેટથી 45 બોલમાં અણનમ 65 રન બનાવ્યા. પરંતુ આ મેચનો સૌથી મોટો હીરો નૂર અહેમદ હતો, તેના સ્પિન બોલ સામે મુંબઈની ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં.