December 21, 2024

ચાંદીપુરા વાયરસનો કહેર, રાજ્યમાં કુલ 31 કેસ, કુલ 10 બાળકોના મોત

સંકેત પટેલ, સાબરકાંઠા: રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કાતિલ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલમાં વધુ ફેલાતા ચાંદીપુરા વાયરસને લઈને જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં ચિંતા વધી રહી છે તો સતત વાયરસના શંકાસ્પદ કેસ પણ વધી રહ્યા છે. ત્યારે, હાલમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં હાલ વાયરસના 31 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે, રાજ્યના સાબરકાંઠામાં 14 કેસ, અરવલ્લીમાં 10 કેસ, બનાસકાંઠામાં 1 કેસ, ખેડામાં 1 કેસ, મહેસાણામાં 1 કેસ, તેમજ રાજસ્થાનના 4 શંકાસ્પદ કેસ હાલ ગુજરાતમાં સારવાર લઈ રહ્યા છે. આમ રાજસ્થાનના 4 કેસોની સાથે હાલ 31 બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા.

વધુમાં ચાંદીપુરા વાયરસથી થયેલ મોતને લઈને પણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 10 બાળકોના મોત થયા છે. જેમાં, સાબરકાંઠામાં 4 બાળકો, અરવલ્લીમાં 4 બાળકો, રાજસ્થાનના 2 બાળકોના મોત થયા છે. તો, સાબરકાંઠા 1, અરવલ્લી 1 એ બે પોઝિટિવ બાળકોના ચાંદીપુરા વાયરસને કારણે મોત થયા છે.

તો હાલ, સાબરકાંઠા જિલ્લામાં 4 બાળકો સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી, PICUમાં 2 બાળકો હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે તો 2 બાળકો વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.