March 3, 2025

Champions Trophy 2025: સેમિફાઇનલ માટે 4 ટીમો નક્કી, આ ટીમોનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર…

ICC Champions Trophy Semifinal: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હવે છેલ્લા પડાવ પર પહોંચી ગઇ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. નોંધનીય છે કે, ICC Champions Trophy-2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ મેચ 4 માર્ચે દુબઈમાં રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે લાહોરના મેદાનમાં રમાશે. આ પછી 9 માર્ચે ફાઇનલ મેચ રમાશે. પરંતુ તેનું સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેને ચાર-ચારના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી. ગ્રુપ-Aમાંથી ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જ્યારે ગ્રૂપ-Bમાંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે, પરંતુ હજુ સુધી એ નક્કી થયું નથી કે સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સામે રમશે.

પાકિસ્તાન સહિત ચાર ટીમો બહાર થઈ ગઈ
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના હોસ્ટિંગ અધિકારો મળ્યા, પરંતુ આ ટુર્નામેન્ટ પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. પાકિસ્તાન તેની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 60 રનથી હારી ગયું હતું. આ પછી, ટીમ ઈન્ડિયાએ તેમને 6 વિકેટથી હરાવ્યું. બાંગ્લાદેશ સામેની તેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ કારણથી પાકિસ્તાન સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાન સિવાય ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમો પણ સેમિફાઈનલમાં પહોંચી શકી ન હતી અને આ ટીમોનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

ભારતની ન્યુઝીલેન્ડ સામેની મેચ બાકી
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ અને પાકિસ્તાન બંનેને 6-6 વિકેટથી હરાવ્યું હતું. બીજી તરફ ન્યુઝીલેન્ડે પણ એક જ ગ્રૂપમાં પોતાની બંને મેચ જીતી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રૂપ સ્ટેજમાં એક મેચ બાકી છે, જે બંને ટીમો વચ્ચે 2 માર્ચે દુબઈમાં રમાશે.

ઓસ્ટ્રેલિયાની બે મેચ વરસાદને કારણે રદ્દ
ગ્રુપ-Bમાં, ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી જ મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું. તે મેચમાં, ઓસ્ટ્રેલિયાએ 350 થી વધુના સ્કોર કર્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામેની તેની મેચ વરસાદને કારણે રદ્દ થઇ ગઈ હતી, પરંતુ 4 પોઈન્ટ સાથે તેણે સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી.