November 26, 2024

કેન્દ્ર સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા પ્રતિબદ્ધ: અમિત શાહ

Jammu Kashmir: કેન્દ્ર સરકારે બુધવારે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીર (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ -કાશ્મીર (ભટ જૂથ)ને પ્રતિબંધિત સંગઠનો તરીકે જાહેર કર્યા. આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તેમની પ્રવૃત્તિઓ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાની વિરુદ્ધ હતી.

અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આતંકવાદને જડમૂળથી ખતમ કરવા પ્રતિબદ્ધ છે. આવી સ્થિતિમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થનારા કોઈપણ વ્યક્તિએ ગંભીર પરિણામો ભોગવવા પડશે.શાહે સોશિયલ મીડિયા X પર લખ્યું કે ‘આતંકવાદી નેટવર્ક્સ પર સતત કાર્યવાહી ચાલુ રાખીને, કેન્દ્ર સરકારે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર (સુમજી જૂથ) અને મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીર (ભટ જૂથ)ને ગેરકાયદેસર સંગઠનો તરીકે જાહેર કર્યા છે. આ સંગઠનો દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ છે.’

જમાત-એ-ઈસ્લામી (જમ્મુ-કાશ્મીર) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો
આ મામલો એવા સમયે આવી રહ્યો છે જ્યારે કેન્દ્ર સરકારે 27 ફેબ્રુઆરી, 2024ના રોજ રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવા બદલ જમાત-એ-ઈસ્લામી (જમ્મુ કાશ્મીર) પર પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગે પણ અમિત શાહે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગતાવાદ માટે સંપૂર્ણપણે સહન ન કરવાની નીતિને પગલે સરકારે જમાત-એ-ઇસ્લામી (જમ્મુ-કાશ્મીર)પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે.’ નોંધનીય છે કે તેને 28 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રથમ વખત ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું હતું.