July 2, 2024

Kanchanjunga Express Accident: સામે આવ્યું દુર્ઘટનાનું કારણ, માલગાડી ચાલકની બેદરકારી

Kanchanjunga Express Accident: પશ્ચિમ બંગાળમાં કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેન એક્સિડન્ટ મામલે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે માલગાડીના ચાલક દળ અને જલપાઈગુડી ડિવિઝનના ઓપરેશન ડીપાર્ટમેન્ટની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઇ હતી. સોમવારે દાર્જીલિંગ જિલ્લાના ફાંસીદેવા વિસ્તારમાં એક માલગાડી કંચનજંઘા એક્સપ્રેસ ટ્રેનને એક માલગાડી પાછળથી ટક્કર મારી દે છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા. મૃતકોમાં પેસેન્જર ટ્રેનનો ગાર્ડ અને માલગાડીના લોકો પાયલટ પણ સામેલ છે.

રિપોર્ટમાં શું થયા ખુલાસા

દુર્ઘટના બાદ રેલવે બોર્ડના ચેરમેન જયા વર્મા સિંહાએ કહ્યું હતું કે માલગાડીના ડ્રાયવરે સિગ્નલની અવગણના કરી હતી જેને કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. રેલવે સેફટી કમિશનર આ દુર્ઘટનાને લઈને વિસ્તૃત તપાસ કરી રહ્યા છે. તો, દુર્ઘટના બાદ રેલવે દ્વારા 6 સિનિયર અધિકારીઓની એક ટીમ બનાવી જેને પ્રાથમિક તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે તપાસ સમિતિએ પોતાની રિપોર્ટ રજૂ કરી દીધી છે. આ રિપોર્ટ મુજબ પાંચ અધિકારીઓને જાણવા મળ્યું છે કે દુર્ઘટનામાં માલગાડીના ડ્રાયવર દ્વારા સિગ્નલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્પીડ લિમિટનું પણ ઉલ્લંઘન કર્યું હતું. તો, અન્ય એક અધિકારીનું કહેવું છે કે દુર્ઘટના માટે ન્યુ જલપાઈગુડી રેલવે ડિવિઝનના ઓપરેશન ડીપાર્ટમેન્ટ જવાબદાર છે અને તે રાનીપાત્રા અને ચતરહાટ જંકશનના રૂટને સુરક્ષિત કરવા માટે પૂરતા પગલાં ન ભી શક્યું.

તપાસ સમિતિના મોટાભાગના સભ્યોનું માનવું છે કે માલગાડીના ડ્રાયવરે નિયમોનું પાલન નહોતું કર્યું અને ખતરનાક રીતે ઓટોમેટિક સિગ્નલ ક્રોસ કર્યું હતું. સાથે જ, ટ્રેનની સ્પીડ નિયમો કરતાં ઘણી જ વધારે હતી જેને કારણે બંને ટ્રેનોની ટક્કર થઈ ગઈ હતી. મહત્વનું છે કે, દુર્ઘટના બાદ જલપાઈગુડી રેલવે ડિવિઝનના ચીફ લોકો ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે 17 જૂનની સવારે 5.50 કલાકે ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક સિગ્નલ કામ નહોતા કરી રહ્યા. એવામાં નિયમો મુજબ સમગ્ર સેકશન (રાનીપાત્રાથી ચતરહાટ જંકશન)ને સંપૂર્ણ રીતે બ્લોક સિસ્ટમમાં બદલી દેવો જરૂરી હતો અને સેકશન પર એક સમયે એજ જ ટ્રેનને પસાર થવાની પરવાનગી આપવી જોઈતી હતી.

ઓપરેશન ડીપાર્ટમેન્ટની પણ બેદરકારી

તપાસ રિપોર્ટ મુજબ, કંચનજંઘા એક્સપ્રેસ સવારે 8.27 કલાકે રાનીપાત્રા સ્ટેશનથી ઉપાડી હતી અને સિગ્નલ ખરાબ હોવાને કારણે T/A 912 અને T369 ફોર્મ જાહેર કરવામાં આવ્યું હતું. T/A 912 ફોર્મ જાહેર કરવાનો અર્થ એ થાય છે કે ટ્રેન તમામ લાલ સિગ્નલોને પાર કરી શકે છે. બીજી તરફ, ફોર્મ T369 જાહેર કરવાનો અર્થ એ થાય છે કે ટ્રેન તરત જ બે સિગ્નલ પાર કરી શકે છે, પરંતુ તેની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ. તપાસમાં ખુલાસો થયો છે કે માલગાડીને પણ તે જ ઓથોરીટીએ આ ફોર્મ જાહેર કર્યું હતું અને તે પણ માત્ર 15 મિનિટના અંતરાલ માં સવારે 8.42 કલાકે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંચનજંઘા એક્સપ્રેસ એક ખરાબ સિગ્નલ પર અટકીને રાહ જોઈ રહી હતી ત્યારે જ માલગાડીએ પાછળથી આવીને તેને ટક્કર મારી દીધી. આ ટક્કરમાં માલગાડીના 5 ડબ્બા અને 11 બોગીને નુકસાન થયું હતું. જો કે, તપાસ રિપોર્ટમાં એ નથી જણાવવામાં આવ્યું કે જ્યારે કંચનજંઘા એક્સપ્રેસને માલગાડીએ ટક્કર મારી ત્યારે તેની સ્પીડ કેટલી હતી.

રેલવે સેફટી કમિશનરની તપાસ પણ આ મુદ્દે કેન્દ્રિત

રેલવે સેફટી કમિશનર જે તપાસ કરી રહ્યા છે તે મુખ્યત્વે એ વાત પર કેન્દ્રિત છે કે માલગાડીના ડ્રાયવર નિયત સ્પીડ કરતાં વધારે સ્પીડે ટ્રેન કેમ દોડાવી હતી? આશંકા છે કે ડ્રાયવરને કઈ થયું હોવું જોઈએ, જેથી તેણે આટલી સ્પીડમાં માલગાડી દોડાવી હતી. પરંતુ તેનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. દુર્ઘટનામાં માલગાડીનો આસિસ્ટન્ટ લોકો પાયલટ ગંભીર રીતે ઘાયલ થયો છે હવે તેના સાજા થયા બાદ જ સાચા કારણનો ખુલાસો થઈ શકે છે. આસિસ્ટન્ટ લોકો પાયલટના ઠીક થતાંની સાથે જ રેલવે સેફટી કમિશનર તેનું નિવેદન નોંધશે.