પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાજંલી આપવા વિસનગરમાં કેન્ડલ માર્ચ યોજાઈ

વિસનગર: તાજેતરમાં કાશ્મીરના પહલગામમાં પ્રવાસી પર થયેલ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકો માટે શ્રદ્ધાજંલી રૂપે વિસનગરની જનતા દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતા. આ કેન્ડલ માર્ચમાં વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જાહેર જનતા દ્વારા યોજવામાં આવેલ આ કેન્ડલ માર્ચમાં લોકો સ્વયંભૂ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિસનગર રેલ્વે સર્કલથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચનું બજરંગ ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. હાથમાં મીણબત્તી લઈને મૌન રેલી યોજાઈ હતી. દરેકના ચહેરા પર આ જધન્ય કૃત્ય માટે ફિટકાર દેખાતો હતો અને જનતા દ્વારા આ ત્રાસવાદી કૃત્યને નાબૂદ કરવા ગુન્હેગારોને આકરી સજા કરવાનો સૂર પ્રગટ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. સર્વધર્મ અને બિનરાજકીય યોજવામાં આવેલી આ કેન્ડલ માર્ચમાં વિસનગરના અગ્રણીઓ ઉપરાંત કોંગ્રેસ, ભાજપ અને આપના અગ્રણીઓ તેમજ વિસનગરના પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા.