ખાંભાના મોભનેસ ડેમ નીચેની કેનાલો જર્જરિત, ગીર કાંઠાના ગામડાઓ સિંચાઇના પાણીથી વંચિત

દશરથસિંહ રાઠોડ, અમરેલી: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તેવી વાતો કરવામાં આવે છે પણ ખેડૂતોને સિંચાઇ માટે બનાવવામાં આવેલી ખાંભા નજીક આવેલ મોભનેસ ડેમ નીચેની કેનાલો છેલ્લા 20 વર્ષથી શોભાના ગાઠીયા સમાન બની છે. તૂટીને બેહાલ બનેલી કેનાલોને કારણે ગીર કાંઠાના ગામડાઓ સિંચાઇના પાણીથી વંચિત છે. ત્યારે લાખોના ખર્ચે બનેલી હયાત કેનાલો હોવા છતાં તંત્ર દ્વારા પાણીના છોડતા કેનાલો તૂટી ગઈ છે જોઈએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં…

ખાંભા તાલુકો ખેતી, પશુપાલન અને ખેત મજૂરી પર નિર્ભર છે. ખાંભા ગામની નજીક આવેલા મોભનેસ ડેમ નીચે આવતા ખેડૂતો માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે 20 વર્ષ પહેલાં કેનાલો બનવવામાં આવી પણ કેનાલો બનાવી જેના બે વર્ષમાં કેનાલોમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું હતું. બાદમાં વર્ષોથી હાલ કેનાલો જર્જરીત બની ગઈ છે અને પાણી માટે વહેતી નહેરો તો સાવ બંધ થઈ ગઈ છે. કેનાલોની કુંડીઓ, કેનાલો જોડતી પાઇપલાઇન પણ તૂટી જતા ખેડૂતોને સિંચાઈ માટે આપવાની પાણીની યોજનાઓ માત્ર હાલ કાગળ પર ઊભેલી જણાઈ રહી છે. ગામના ખેડૂતો કેનાલમાં પાણી ન છોડવાથી જર્જરીતને તૂટીને બેહાલ થયેલી કેનાલો ફરી કાર્યરત થઈ તે માટે સરકાર સમક્ષ ચાલુ કરવાની અપીલ કરી રહ્યા છે.

મોભનેસ ડેમ નીચે 400થી વધારે ખેડૂતો અને 700 એકરથી વધારે જમીનો આવેલી છે. ત્યારે ખેડૂતોને સિંચાઇના પાણી માટે કેનાલો બની હતી જે જર્જરિત બની ગઈ છે અને બંધ હોવાથી મોભનેસ ડેમનું પાણી ધાતરવડી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ પાણી વેડફાઈ રહ્યું હોવાનું પીપળવા ગામના ખેડૂતે જણાવ્યું હતું ત્યારે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનેલી કેનાલો માત્ર શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે. કેનાલ બન્યા બાદ બે વર્ષ ખેડૂતોને પિયત માટે પાણી મળ્યું હતું અને બાદમાં વર્ષોથી કેનાલમાં પિયતનું પાણી ન મળતા અમુક ખેડૂતોએ ખેતી છોડી સુરત, અમદાવાદ, વડોદરા ખાતે ધંધા-રોજગાર અર્થે હિજરત કરવા પણ મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે મોભનેસ ડેમ નીચે નાની સિંચાઈ યોજના અર્થે બનાવવામાં આવેલી કેનાલનું રિનોવેશન કરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોએ માગ કરી હતી. મોભનેસ ડેમમાંથી પાણી ખેડૂતોને મળે તે માટે બનાવી છે કેનાલો હવે ક્યારે કાર્યરત થાય તેની ખેડૂતો કાગડોળે રાહ નિહાળી રહ્યા છે.

ખેડૂતોને આવક ડબલ થવાની વાતો માત્ર થઈ રહી છે પણ જે લાખોના ખર્ચે યોજનાઓ તૈયાર થઈ ગઈ છે. પાણી ના છોડવાના કારણે હાલ મોભનેસ ડેમ નીચે જર્જરીત થયેલી કેનાલો કાર્યરત કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે અને બે અઢી વર્ષ પહેલા પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા આ કેનાલો શરૂ કરવા બાબતે વિધાનસભામાં પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમ છતાં સરકાર દ્વારા કોઈ નકર પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે સરકાર જળ અને સિંચાઈ માટે બહુ ચિંતિત છે, પરંતુ હાલા કેનાલ રીનોવેશનના વાટે પડી છે અને કેનાલો રીપેરીંગ કરી પાણી છોડવામાં આવે તો 400થી વધારે ખેડૂતોને ફાયદો થાય તેમ છે અને ખાંભા તેમજ આસપાસનો વિસ્તાર ફરી હરિયાળીનું નિર્માણ થઈ શકે તેમ છે. ત્યારે સરકારને વિનંતી છે કે ખાંભા નાની સિંચાઈ યોજના હેઠળની આ કેનાલો ચાલુ કરી પિયત આપવામાં આવે તેવી માગ ખાંભા ગામના સરપંચ પ્રતિનિધિ બાબુભાઈ ખુમાણએ કરી હતી.

મોભનેસ ડેમની કેનાલ અંદાજિત 20 વર્ષથી બંધ છે, ખૂબ જ જૂની કેનાલ છે. પહેલા ખેડૂતો માટે સિંચાઈનો ઉપયોગ કરવામાં આવતો હતો અને છેલ્લા 20 વર્ષથી લગભગ બંધ છે. જેમાં 300થી 350 ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે અને 700 એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળી શકે તેમ છે. હાલમાં એસટીમેટની અંદર બે તબક્કાની અંદર કામગીરી લીધી છે જેમાં પહેલા તબક્કામાં મોભડેમના રીનોવેશનની કામગીરી લીધેલી છે. જેમનો હાલ વર્કઓર્ડર આપી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે અને હવે પછીના બીજા તબક્કામાં કેનાલનું આયોજન કરવામાં આવશે. અત્યારે ડેમના રીનોવેશનની કામગીરી ચાલુ કરવાની હોવાથી અને કેનાલ હાલમાં બંધ હાલતમાં હોય જેથી કરી સરકાર દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે ડેમનું પાણી ધાતરવડી નદીમાં છોડી અને નદીમાંથી ખેડૂતોની વસુલાત લઇ અને સિંચાઈનો લાભ આપી ડેમ ખાલી થાય એટલે રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યાર પછીના તબક્કામાં કેનાલ ચાલુ કરી અને કેનાલમાંથી પાણી આપવામાં આવશે. તેમ ખાંભા નાની સિંચાઈ યોજનાના ઇજનેર અક્ષય ડોડીયાએ જણાવ્યું હતું.