July 2, 2024

CMના આગમન પહેલા કેબિનેટ મંત્રી કર્યું સરસ્વતી રિવરફ્રન્ટ કામગીરીનું નિરીક્ષણ

ભાવેશ ભોજક, પાટણ: પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સૂકી ભટ્ટ રહેતી સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા માટે સરકાર દ્વારા રિવરફ્રન્ટ યોજના થકી રૂપિયા 20 કરોડના ખર્ચે હાલમાં કામગીરી પુર જોષમાં ચાલી રહી છે. ત્યારે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવનાર છે. જે અંતર્ગત કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપુત આજે સરસ્વતી નદી ખાતે આવ્યા હતા અને તેઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ધોળકિયા ફાઉન્ડેશના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

તો, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રીના આગમન પહેલા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત CM સિક્યુરિટીના કર્મચારીઓએ કોનવે સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે માટે સરસ્વતી નદી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે.

સરસ્વતી નદીના કિનારે વસેલું શ્રી સ્થળ એટલે સિધ્ધપુર જેને દેવોના મોસાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતૃગયા તીર્થ તરીકે પણ સિધ્ધપુર સમગ્ર ભારતમાં આગવું મહત્વ ધરાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ શહેરનું ખૂબ જ મહત્વ છે. વર્ષો પહેલા સરસ્વતી નદી બે કાંઠે ખળખળ વહેતી હતી. પરંતુ. છેલ્લા ચાર દાયકાથી સરસ્વતી નદીનો પટ સૂકો ભઠ બન્યો છે. માત્ર ચોમાસા દરમિયાન જ નદીમાં પાણી જોવા છે. ત્યારે, સિધ્ધપુર ને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવા અને સરસ્વતી નદીને પુનઃજીવિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશને કામગીરી સોંપવામાં આવી છે. રૂપિયા 20 કરોડના અંદાજિત ખર્ચે સરસ્વતી નદીના એક કી. મી. ના પટમાં વરસાદી પાણીનું જળસંચય કરી નદીને પુન જીવંતકરવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. નદી કાંઠે રિવરફ્રન્ટ અને ગાર્ડન પણ બનશે. સરકારની પ્રજાલક્ષી આ કામગીરીની લઈને સિદ્ધપુર નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સરસ્વતી નદી ખાતે ની ચાલી રહેલી કામગીરી ડિસેમ્બર 2024 ના અંતમાં પૂર્ણ થશે

સિધ્ધપુર ખાતે વર્ષ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે ત્યારે નદીમાં પાણી ન હોવાને કારણે શ્રદ્ધાળુ પોતાના પિતૃઓની અસ્થિઓ નદીમાં ખાડો ખોદીને મૂકી જાય છે ત્યારે તેઓની લાગણી પણ દુભાય છે. ત્યારે હવે સરકારના આ પ્રોજેક્ટ થકી તર્પણ વિધિ માટે નદી ઘાટે એક અલગથી તર્પણ ઘાટ બનાવવામાં આવશે જેમાં શ્રદ્ધાળુઓ સ્વચ્છ સ્થળ પર પાણીમાં તર્પણ કરી શકશે. નદીમાં પાણી રહેશે જેના થકી પાણીના સ્થળ ઊંચા આવશે અને સિંચાઈ નો લાભ ખેડૂતોને મળશે સાથે જ સિદ્ધપુરના લોકોની આજીવીકા પણ વધશે. આ પ્રોજેક્ટ થકી સિદ્ધપુરના લોકોને એક પ્રવાસ સ્થળ મળશે જ્યાં સિદ્ધપુર સહિત આસપાસના પંથકના લોકો હરવા ફરવા માટે આવશે.

ધોળકિયા ફાઉન્ડેશના કનક પટેલે જણાવ્યું હતું કે ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાં 150 થી વધારે સરોવરો બનાવવામાં આવ્યા છે. ત્યારે સિદ્ધપુરની સરસ્વતી નદીને પુનર્જીવિત કરી રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી 13 માર્ચ 2024 થી શરૂ કરવામાં આવી છે. ત્રણ મહિનામાં 3 લાખ ઘન મીટર નું કામ પૂર્ણ થયું છે. સરસ્વતી નદી ખાતે કામ ઝડપી પૂર્ણ કરવા માટે 75 કામદારો, 7 હીટાચી મશીન, બે ડોઝર ,એક જીસીબી, 20 થી વધુ ડમ્પર, ટ્રેક્ટર તેમજ રેતી ધસીને અંદરના ભાગમાં આવે નહીં તે માટે ગેવીયન માટે 50 થી વધુ કામદારોની ટીમ હાલ કામગીરી કરી રહી છે.