BZ ગ્રુપ કૌભાંડ મામલે મોટો ખુલાસો, આરોપી મયુર દરજીના ખાતામાં 59 લાખના ટ્રાન્ઝેક્શન મળ્યા
જયેશ ચૌહાણ, અમદાવાદઃ BZ કૌભાંડ મામલે આરોપી મયુર દરજીની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં તપાસ સંસ્થા દ્વારા કરાયેલા સોગંદનામામાં મહત્વના ખુલાસા થયા છે. BZની માલપુર બ્રાન્ચમાં મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખ 4 હજાર પૈસા ગયા હતા. બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર BZનાં એકાઉન્ટમાં ગયા હતા.
મયુર દરજીના માતા મીના બેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી 29.64 લાખથી વધુની હેરફેર જોવા મળી છે. સર્ચ દરમિયાન પોલીસને 4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ હાથે લાગ્યા છે. અન્ય પરિવારજનોના કહેવાથી રૂ.9.90 લાખની પણ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી મળી આવી છે.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે. મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કોઈપણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આજે સાંજે અથવા આવતીકાલે કોર્ટનો ચુકાદો આવે તેવી શક્યતા છે.