January 8, 2025

અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત, પરિણામ 8 ફેબ્રુઆરીએ

Election Dates: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન બે વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ બે બેઠકોમાંથી એક યુપીના અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર વિધાનસભા બેઠક છે, જ્યારે બીજી તમિલનાડુની ઈરોડ વિધાનસભા બેઠક છે. આ બંને વિધાનસભા બેઠકો પર દિલ્હી વિધાનસભા ચૂંટણીની સાથે મતદાન થશે. બંને બેઠકો પર 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8મી ફેબ્રુઆરીએ બંને બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, ગત વખતે યુપીની મિલ્કીપુર સીટ પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ મામલો કોર્ટમાં હોવાથી પેટાચૂંટણી થઈ શકી ન હતી. આ ઉપરાંત, દેશની રાજધાની દિલ્હીની 70 સભ્યોની વિધાનસભા માટે પણ 5 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે મતોની ગણતરી ત્રણ દિવસ પછી 8 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. ચૂંટણી પંચે મંગળવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે, જેમાંથી 58 સામાન્ય વર્ગ માટે છે જ્યારે 12 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

ભારત ટૂંક સમયમાં એક અબજ મતદારો ધરાવતો દેશ બનશે
આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ભારત ટૂંક સમયમાં એક અબજથી વધુ મતદારો ધરાવતો દેશ હોવાનો નવો રેકોર્ડ બનાવશે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે વર્ષ 2024 વૈશ્વિક સ્તરે ચૂંટણીનું વર્ષ હતું, જ્યારે વિશ્વની બે તૃતીયાંશ વસ્તીએ લોકશાહીમાં વિવિધ ચૂંટણીઓમાં મતદાન કર્યું હતું.

CECએ કહ્યું, “અમે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ચૂંટણીઓ કરાવી હતી. સારું વાતાવરણ હતું, લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી, લોકભાગીદારી, મહિલાઓની સહભાગિતાના સંદર્ભમાં નવા રેકોર્ડ સર્જાયા. તેમણે કહ્યું કે મહિલા મતદાતાઓની સંખ્યા પણ લગભગ 48 કરોડ થવાની છે.