December 19, 2024

ઓઢવમાં વેપારીએ 3 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી, બે વ્યાજખોરોની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: વ્યાજખોરો ને ડામવા માટે સરકારે ભલે કડક નિયમો બનાવ્યા હોય પરંતુ આજે પણ વ્યાજખોરોના ત્રાસથી છુટવા માટે લોકો આત્મહત્યા કરી રહ્યા છે. અને એવા જ એક વેપારીએ 3 વ્યાજખોરોના ત્રાસથી કટાળી આત્મહત્યા કરી લીધી છે. જે અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી બે વ્યાજખોરોની ધરપકડ કરી છે. આ ગુનામાં સ્યુસાઈડ નોટ કબ્જે કરી તમામ આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરુ કરી છે.

શું આનુ નામજ જીંદગી છે? સતત માનસિક ત્રાસ, તકલીફો અને નાણાભીડ અત્યારસુધી ખૂબજ સહન કર્યુ. ક્યાંકથી ઉપાય નીકળશે એવી આશા સાથે જીંદગીને આજ સુધી વંઢોર્યે રાખી, દરેક બાબતનો અંત હોય જ છે. આજે અમારી જીદંગીના અંત સાથે અમારી તકલીફોનો કદાચ અંત આવી જશે. આ કરૂણ શબ્દો છે વેપારી ગજેન્દ્રસિંહ જાડેજાના, જેમણે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને સાત પાનાની સ્યુસાઈડ નોટ લખીને પોતાના હાથ અને ગળુ છરીથી કાપીને આપઘાત કરી લીધો. જોકે બનાવ બાદ ઓઢવ પોલીસે બે વ્યાજખોરોના નામ જિતેન્દ્ર સિંહ રાજપુત અને અજીતસિંહ ઝાલા ધરપકડ કરી છે. આ બન્ને વ્યાજખોરોએ 7 થી 10 ટકાના વ્યાજે વેપારીને રુપિયા આપ્યા હતા. જે મુડી કરતાં વધુ વ્યાજ વસુલ કર્યુ હોવા છતાં વ્યાજનું પણ વ્યાજ ગણી રુપિયા માંગ્યા હતા. જે વ્યાજના ખપ્પરમાં ફસાઈ ગયેલા વેપારીએ વ્યાજમાંથી છુટવા માટે આત્મહત્યા કરી હોવાનું સુસાઈટ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જેના આધારે ઓઢવ પોલીસે વધુ તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: અમેરિકામાં ગોલ્ડી બ્રારની હત્યા! સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસનો હતો માસ્ટરમાઇન્ડ

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આત્મહત્યા કરનાર વેપારીએ વર્ષ 2001માં 10 હજાર રુપિયા 10 ટકાના વ્યાજે ભવંરસિંહ રાજપુત પાસેથી લીધા હતા. તેનુ 23 વર્ષ સુધી વ્યાજ ભર્યુ અને જમીન વેચીને પણ 80 હજાર રુપિયા ચુકવ્યા હોવા છતાં વ્યાજખોરોએ વધુ 5 લાખની માંગ કરી 2 લાખમાં સમાધાન કર્યુ હતું. તે 2 લાખ ચુકવવા માટે બીજા વ્યાજખોર અજીતસિંહ ઝાલા પાસેથી 7 ટકાના વ્યાજે રુપિયા લીધા હતા. તેનું પણ વ્યાજ ચુકવ્યા હોવા છતાં વેપારી પાસે મકાન લખાવી લેવાની ધમકી આપતા વેપારીએ આત્મહત્યા કરી છે.

આ પણ વાંચો: Kesar Mango: ગીર પંથકની કેસર કેરી વિદેશના સીમાળા ઓળંગતી જોવા મળશે

વેપારીની આત્મહત્યા અંગે તપાસ કરતા હકિકત સામે આવી કે વેપારીની આર્થિક સંકળામણનુ મુખ્ય કારણ વ્યાજખોર ભવરસિંહ રાજપુત અને તેનો પુત્ર જીતેન્દ્ર રાજપુત છે. જે છેલ્લા 23 વર્ષથી વ્યાજ પડાવી રહ્યા છે અને જે વ્યાજના ખપ્પરથી છુટવા માટે અન્ય વ્યાજના વિષચક્રમા ફસાયા છે. જોકે ભવરસિંહની તપાસ કરતા તે સારવાર માટે હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અન્ય બે વ્યાજખોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ઘરી છે.