December 19, 2024

તમે પી રહ્યા છો નકલી દૂધ? UPમાં 16 હજાર સેમ્પલ ફેલ, ગુજરાતની સ્થિતિ પણ નથી સારી!

દિલ્હી: આમ તો દેશમાં નકલી અને ભેળસેળ વાળા દૂધની વાત નવી નથી. પરંતુ પહેલા દૂધમાં માત્ર પાણી ભેળવવામાં આવતું હતું. બાદમાં, અનેક વર્ષોની તપાસમાં સામે આવ્યું હતું કે દૂધમાં યુરિયાની પણ ભેળસેળ કરવામાં આવે છે. પરંતુ હવે તો માત્ર કેમિકલથી બનાવવામાં આવેલ દૂધ અને દૂધની પ્રોડક્ટમાં ભેળસેળ સામન્ય બાબત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે દેશના અનેક રાજ્યોમાં લેવામાં આવેલા દૂધના સેમ્પલમાં મોટાભાગના સેમ્પલમાં ભેળસેળ કરવામાં આવી છે. તહેવારોની સિઝન પહેલા રાજ્યસભામાં FSSAI દ્વારા એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે જેમાં સામે આવ્યું છે કે દૂધમાં ભેળસેળ કરવાનો ધંધો કેટલા મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે.

આવી સ્થિતિમાં આજે અમે જણાવી રહ્યા છીએ કે સરકારી આંકડા મુજબ કેટલી ડેરી પ્રોડક્ટ્સના સેમ્પલમાં ભેળસેળ જોવા મળી છે. સાથે જ જાણીએ કે નકલી દૂધ બનાવવામાં કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.

કેવો છે દૂધમાં ભેળસેળનો ખેલ!?
વાસ્તવમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા રાજ્યસભામાં ત્રણ વર્ષમાં લેવામાં આવેલા ડેરી પ્રોડક્ટના સેમ્પલ સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં દૂધમાં ભેળસેળના સૌથી વધુ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ, રાજસ્થાન, તમિલનાડુ અને કેરળનું નામ આવે છે. દૂધ સાથે પનીર, દહીં, મિઠાઈ અને બિસ્કિટમાં ભેળસેળના કિસ્સા સામે આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં વર્ષ 2023-24માં દૂધ અને દૂધની બનાવટોના 27,750 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 16,183 સેમ્પલ ફેલ થયા છે. તો, રાજસ્થાનમાં 18264 માંથી 3564 સેમ્પલ, તમિલનાડુમાં 18146 માંથી 2237 અને કેરળમાં 10792 માંથી 1297 ફેલ થયા હતા. તો સાથે સાથે, ગુજરાતમાં પણ 15841 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 910 સેમ્પલ ફેલ થયા છે.

વધુમાં, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભેળસેળયુક્ત દૂધ કે દૂધની પ્રોડક્ટ વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં, ઉત્તર પ્રદેશમાં ભેળસેળના 1928 કેસ નોંધાયા છે. ત્યારબાદ, તામિલનાડુમાં 944, ગુજરાતમાં 847, કેરળમાં 737, મહારાષ્ટ્રમાં 191 અને બિહારમાં 174 કેસ નોંધાયા છે.

કઈ-કઈ ચીજવસ્તુઓમાં થાય છે ભેળસેળ?
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દૂધમાં શરીર માટે અત્યંત જોખમી એવા કેમિકલ ભેળવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાસ્તવમાં આ કેમિકલ વડે નકલી દૂધ બનાવવામાં આવે છે. કેમિકલવાળા દૂધમાં યુરિયા અને ડિટર્જન્ટની સાથે સાથે અનેક રસાયણો પણ ભેળવવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે દૂધમાં યુરિયા ઉપરાંત કોસ્ટિક સોડા, માલ્ટોડેક્સ્ટ્રિન વગેરે પણ ઉમેરવામાં આવે છે. તેની સાથે હવે દૂધમાં મળતી ફેટને વધારવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ફોર્મલિન ઉમેરવામાં આવે છે.

તો સાથ સાથે, એમોનિયા અને યુરિયાના કારણે ખરાબ થયેલા સ્વાદને પણ વ્યવસ્થિત કરવા માટે દૂધમાં હવે સ્ટાર્ચની પણ ભેળસેળ કરવામાં આવે છે. આ ભેળસેળ યુક્ત દૂધમાં ટેસ્ટનો અંદાજ પણ નથી આવતો. ખાસ વાત તો એ છે કે મશીનો અને લેબ ટેસ્ટ વગર ભેળસેળવાળા દૂધની ઓળખ કરવી અસંભવ હોય છે.