August 27, 2024

પેરુમાં 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી બસ, 26 લોકોનાં કરુણ મોત

પેરુ: દક્ષિણ પેરુના અયાકુચો વિસ્તારમાં એક પેસેન્જર બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને એક ડઝનથી વધુ ઘાયલ થયા છે. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ મંગળવારે, એમ્પ્રેસા તુરિસ્મો મોલિના યુનિયન SAC નું વાહન રસ્તા પરથી ઉતરી ગયું હતું અને અયાકુચો પ્રદેશના કેન્ગાલો પ્રાંતના પારસ જિલ્લામાં લોસ લિબર્ટાડોરેસ હાઈવે પર લગભગ 200 મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. નેશનલ પોલીસ રોડ સેફ્ટી ડિવિઝનના વડા જોની રોલાન્ડો વાલ્ડેરમાના જણાવ્યા અનુસાર, બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા.

પાંચ એમ્બ્યુલન્સને અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી હતી

સ્થાનિક આરોગ્ય સુવિધાઓ, ફાયર વિભાગ અને પોલીસ આરોગ્ય સેવાએ પાંચ એમ્બ્યુલન્સને અકસ્માત સ્થળે રવાના કરી હતી. પેરુવિયન ન્યૂઝ આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં એક ક્ષતિગ્રસ્ત બસ જમીન પર વેરવિખેર કાટમાળ સાથે ખાડામાં પડેલી જોવા મળી હતી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સત્તાવાર આંકડા મુજબ, પેરુમાં 70 ટકા અકસ્માતો માનવીય કારણોથી થાય છે.

માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે
અગાઉ મંગળવાર, 16 જુલાઈના રોજ, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટરની અથડામણમાં પાંચ યાત્રાળુઓના મોત થયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માતનો ભોગ બનેલા વારકારીઓ (ભગવાન વિઠ્ઠલના ભક્તો) હતા જેઓ અષાઢી એકાદશી પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ નજીક તેમના વતન ડોમ્બિવલીથી પંઢરપુર જઈ રહ્યા હતા. તેણે જણાવ્યું કે સોમવારે અડધી રાત્રે બસ ટ્રેક્ટર સાથે અથડાઈ અને ખાડામાં પડી ગઈ. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ વિવેક પાનસરેએ પત્રકારોને જણાવ્યું હતું કે પંઢરપુર જવા માટે ડોમ્બિવલીથી બસમાં કુલ 42 મુસાફરો સવાર હતા. અદાને ગામ પાસે બસ એક ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.