September 2, 2024

Budget 2024: કયા નાણામંત્રીએ રજૂ કર્યું હતું 21મી સદીનું પહેલું બજેટ?

Budget 2024: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ત્રીજી વખત નાણામંત્રી બનેલ નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ અનેક રીત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને જાવક એટલે કે ખર્ચનો હિસાબ એટલે કે બજેટ કોઈપણ દેશ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે એ જાણવું ખુજ રસપ્રદ બની રહેશે કે દેશમાં 21મી સદીનું પહેલું બજેટ કોણે રજૂ કર્યું હતું, તેમજ કયા નાણામંત્રીના બજેટને ડ્રીમ બજેટ નામ આપવામાં આવ્યું હતું. તેની સાથે સાથે, બજેટ સાથે જોડાયેલ હલવા સેરેમની સહિતની કેટલીક રસપ્રદ વાતો.

જ્યારે બદલી નાખવામાં આવ્યો કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો સમય
પહેલા દેશમાં કેન્દ્રીય બજેટ ગૃહમાં સાંજે 5 વાગે રજૂ કરવામાં આવતું હતું. સાંજે 5 વાગે બજેટ રજૂ કરવાનું કારણ એ હતું કે તે સમયે બ્રિટનમાં સવારના 11.30 વાગ્યા હોય છે. બ્રિટિશ સરકાર તરફથી શરૂ કરવામાં આવેલ આ પરંપરાને સ્વતંત્રતા બાદ પણ જાળવી રાખવામાં આવી હતી. યશવંત સિન્હાએ 2001માં આ પરંપરામાં ક્રાંતિકારી પરિવર્તન કરવામાં આવ્યો. આગળ ચાલીને મોદી સરકારે દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવનાર બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવાની શરૂઆત કરવામાં આવી.

પી. ચિદમ્બરમે રજૂ કર્યું હતું દેશનું ‘ડ્રીમ બજેટ’
નાણાકીય વર્ષ 1997-98 માટે તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમ દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને દેશનું ડ્રીમ બજેટ માનવામાં આવે છે. આ બજેટમાં વ્યક્તિગત ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ ખાસ્સો ઘટાડી દેવામાં આવ્યો હતો.

આ નાણામંત્રીએ રજૂ કર્યું હતું 21મી સદીનું પહેલું બજેટ
નાણાકીય વર્ષ 2000-2001નું કેન્દ્રીય બજેટ તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાએ રજૂ કર્યું હતું. આ બજેટને દેશનું ‘મિલેનિયમ બજેટ’ પણ માનવામાં આવે છે. આ બજેટ 21મી સદીનું પહેલું બજેટ હતું. આ બજેટમાં એવી ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી જેને લીધે IT સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું.

શું છે બજેટ પહેલા ઉજવાતી ‘હલવા સેરેમની’?
દેશનું સામાન્ય બજેટ રજૂ કરતાં પહેલા, જ્યારે બજેટનું પ્રિન્ટિંગ પૂર્ણ થાય છે અને તેને સીલ કરવામાં આવે છે, ત્યારે નાણાં મંત્રાલય અને તેના કર્મચારીઓ એક ખાસ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે. વાસ્તવમાં, આપણી સંસ્કૃતિમાં કોઈપણ શુભ પ્રસંગે કંઈક ગળ્યું ખાવાની અનોખી પરંપરા છે. બજેટ પહેલા ગળ્યું ખાવાની આ પરંપરાને ‘હલવા સેરેમની’ તરીકે ઓળખવામાં આવે છે. આ વિધિ માટે મોટા વાસણોમાં હલવો તૈયાર કરવામાં આવે છે. નાણામંત્રી વતી આ હલવો બજેટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને વહેંચવામાં આવે છે. વર્ષ 2020માં કોરોના સંકટને કારણે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પર બ્રેક લાગ્યો હતો. 2020માં હલવા સેરેમનીની જગ્યાએ કર્મચારીઓમાં મીઠાઈઓ વહેંચવામાં આવી હતી.