August 27, 2024

Budget 2024: શું તમને ખબર છે ભારતનું પહેલું બજેટ કોણે અને ક્યારે રજૂ કર્યું હતું?

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઇના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે. નવી સરકારની રચના બાદ રજૂ થનાર બજેટ અનેક રીત ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ભારતીય બંધારણની કલમ 112 હેઠળ, સરકારે દરેક નાણાકીય વર્ષની શરૂઆત પહેલા સંસદમાં કેન્દ્રીય અથવા વચગાળાનું બજેટ રજૂ કરવું જરૂરી હોય છે. વચગાળાનું બજેટ ચૂંટણી વર્ષમાં રજૂ કરવામાં આવે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ એ કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન આવક અને ખર્ચને લાગતો દસ્તાવેજ છે. નાણાકીય વર્ષ દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થાય છે અને આવતા વર્ષની 31 માર્ચે સમાપ્ત થાય છે. ભારત સરકાર દ્વારા બજેટ રજૂ કરવાની શરૂઆત 19મી સદીમાં જ થઈ ગઈ હતી.

ક્યાંથી આવ્યો ‘બજેટ’ શબ્દ?
બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘Bougette’ પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે નાની બેગ ફ્રેન્ચમાં આ શબ્દ લેટિન શબ્દ ‘બુલ્ગા’ પરથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ ચામડાનો થેલો’ એવો થાય છે. પ્રાચીન સમયમાં મોત વેપારીઓ પોતાના તમામ નાણાકીય દસ્તાવેજો એક થેલામાં રાખતા હતા. એ જ રીતે, ધીમે ધીમે આ શબ્દનો ઉપયોગ સંસાધનોને એકત્ર કરવા માટે કરવામાં આવતી ગણતરીઓ સાથે સંકળાયેલો બન્યો. આ રીતે સરકારોના વર્ષભરના આર્થિક ખાતાને ‘બજેટ’ નામ મળ્યું.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌપ્રથમ રજૂ કર્યું હતું બજેટ
દેશનું પહેલું બજેટ 163 વર્ષ પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન રજૂ કર્યું હતું. આ પહેલું બજેટ ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી સ્કોટિશ અર્થશાસ્ત્રી અને રાજકારણી જેમ્સ વિલ્સન દ્વારા બ્રિટિશ ક્રાઉન સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય બજેટના પ્રારંભિક 30 વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દનો કોઈ ઉલ્લેખ નહોતો. બજેટ શબ્દ સૌપ્રથમ 20મી સદીની શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યો હતો.