December 18, 2024

મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી, 1 મોત, 5 લાપતા

Mumbai Boat Capsized: મુંબઈમાં એલિફન્ટા ગુફાઓથી ગેટવે ઑફ ઈન્ડિયા તરફ ડઝનેક મુસાફરોને લઈ જતી બોટ બુધવારે પલટી ગઈ હતી. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બોટ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. વીડિયોમાં લાઈફ જેકેટ પહેરેલા લોકો મુસાફરોને બચાવતા જોવા મળે છે.

બોટ એલિફન્ટા તરફ જઈ રહી હતી
બોટ પરના લોકો બીજા જહાજમાં જતા જોઈ શકાય છે. આ ઘટના બુધવારે સાંજે 5:15 કલાકે બની હતી. JOC પાસેથી મળેલી માહિતી અનુસાર, એલિફન્ટાના માર્ગ પર નીલકમલ ફેરી બોટ ઉરણ, કરંજાની નજીક પલટી ગઈ છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, બોટમાં લગભગ 85 મુસાફરો સવાર હતા. ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે અને 108 એમ્બ્યુલન્સ અને મરીન પોલીસ ઘટનાસ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ, 21 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને એકને મૃત જાહેર કરવામાં આવ્યો છે.

‘બચાવ કાર્ય ચાલુ’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે કહ્યું, ‘અમને નીલકમલ બોટના અકસ્માતના અહેવાલ મળ્યા છે, જે એલિફન્ટા તરફ જઈ રહી હતી. નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમોની બોટ તાત્કાલિક મદદ માટે રવાના કરવામાં આવી છે.

તેમણે કહ્યું, ‘અમે જિલ્લા અને પોલીસ પ્રશાસન સાથે સતત સંપર્કમાં છીએ અને સદનસીબે મોટાભાગના નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્રને બચાવ કામગીરી માટે જરૂરી તમામ મશીનરી તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.