December 20, 2024

જયપુર-અજમેર હાઈવે પર CNG ટેન્કરમાં બ્લાસ્ટ, 40 વાહનોમાં આગ; 6 લોકોના મોત

Jaipur: જયપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ભાંકરોટા વિસ્તારમાં જયપુર-અજમેર હાઈવે પર એક CNG ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. હાઈવે પરથી પસાર થતા 40 વાહનો આનાથી અથડાઈ ગયા અને આગ લાગી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં લગભગ 25 લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં હાઇવેની બાજુમાં પાઇપ ફેક્ટરી બળીને રાખ થઇ ગઇ હતી. પેટ્રોલ પંપનો એક ભાગ પણ પ્રભાવિત થયો હતો. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઘટના બાદ હાઇવે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. ડીએમ અને એસપી સ્થળ પર હાજર છે. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે ટેન્કરમાં બ્લાસ્ટ થયા બાદ હાઈવે પર એક પછી એક અનેક વાહનોની ટક્કરથી આગ ફાટી નીકળી હતી. જયપુરના ડીએમ જિતેન્દ્ર સોનીએ કહ્યું છે કે આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે, લગભગ 40 વાહનો આગની લપેટમાં આવી ગયા છે. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાહત કાર્ય ચાલી રહ્યું છે. આગ ઓલવાઈ ગઈ છે અને હવે માત્ર 1-2 વાહનો જ બચ્યા છે. આ ઘટનામાં લગભગ 25 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર છે રશિયા, પુતિનનું મોટું નિવેદન આવ્યું સામે

જોરદાર બ્લાસ્ટથી વિસ્તાર હચમચી ગયો
આ ઘટના શુક્રવારે સવારે બની હતી. જયપુર-અજમેર નેશનલ હાઈવે પર ભાંકરોટા વિસ્તારમાં સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટેન્કર ટ્રક સાથે અથડાતા જ જોરદાર વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટ પછી આગ ફાટી નીકળી. જેણે હાઇવેની બાજુમાં પાઇપ ફેક્ટરીને લપેટમાં લીધી. આગમાં તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. નજીકના પેટ્રોલ પંપનો કેટલોક ભાગ આગની લપેટમાં આવી ગયો હતો. બ્લાસ્ટ બાદ આગ ઝડપથી ફેલાઈ હતી. જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનોમાં પણ આગ લાગી ગઈ હતી. આ વિસ્તારમાં ભારે ધુમાડો હતો અને સ્પષ્ટ દેખાતું ન હોવાના કારણે, ઘણા વાહનો એકબીજા સાથે અથડાવા લાગ્યા હતા.