જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈ BJPએ બીજી યાદી કરી જાહેર, જાણો કોને આપી ટિકિટ

Jammu Kashmir Assembly Election: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. હવે બીજેપી દ્વારા બીજી યાદી બહાર પાડવામાં આવી છે. ભાજપે કોકરનાગ બેઠક પરથી ચૌધરી રોશન હુસૈન ગુર્જરને ટિકિટ આપી છે. બીજી યાદીમાં માત્ર એક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જે બેઠક પરથી ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તે બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. અત્યાર સુધીમાં 16 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક લોકોના નામ લિસ્ટમાં ન હોવાના કારણે અંદરોઅંદર ઝઘડાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જો કે, કેન્દ્રશાસિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ યાદી જાહેર થયા બાદ આ અફવાઓને ફગાવી દીધી હતી. રવિન્દ્ર રૈનાએ કહ્યું કે પાર્ટીમાં નવા અને જૂના લોકો સાથે મળીને કામ કરે છે. કોનું નામ આવ્યું અને કોનું ના આવ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. કેટલાક લડે છે અને કેટલાક લોકોને સાથે મળીને લડાવે છે. ભાજપ એક પરિવાર છે. તેમણે કહ્યું કે પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પ્રથમ તબક્કા માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. અમે એવા ઉમેદવારો સાથે વાતચીત કરી રહ્યા છીએ જે કાશ્મીરમાં કેટલીક બેઠકો જીતશે.

ભાજપે પ્રથમ 44 ઉમેદવારોની યાદી જાહેર કરી

હકીકતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રવિવારે (25 ઓગસ્ટ) દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો. બેઠકમાં ઉમેદવારોના નામ પર મંથન કર્યા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી ફાઈનલ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે પહેલા ભાજપે 44 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પરંતુ પછી તે પાછી ખેંચી લેવામાં આવી હતી અને 15 ઉમેદવારોની નવી યાદી બહાર પાડવામાં આવી હતી.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈ BJPએ જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી

જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં દક્ષિણ કાશ્મીરની 16 વિધાનસભા બેઠકો અને જમ્મુ ક્ષેત્રની 8 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 90 સભ્યોની વિધાનસભા માટે, ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કા હેઠળ 25 સપ્ટેમ્બરે અને ત્રીજા અને છેલ્લા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થશે. 4 ઓક્ટોબરે મતગણતરી થશે.