BJPની ચૂંટણી આયોગ પાસે માગ – આ અભિનેતાની ફિલ્મો પર પ્રતિબંધ મૂકો

ચૂંટણી આયોગની ફાઇલ તસવીર
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે લોકો સહિત પાર્ટી પ્રચારમાં વ્યસ્ત છે. આ સ્થિતિમાં ભાજપે ગઈકાલે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. જેમાં ભાજપે ચૂંટણી પંચને કન્નડ અભિનેતા શિવરાજકુમારની ફિલ્મો, જાહેરાતો અને હોર્ડિંગ્સના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી હતી.
શિવરાજકુમારની ફિલ્મો પર પ્રતિબંધ પાછળનું કારણ
અભિનેતા શિવરાજકુમાર વિશે દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેતા લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યો છે. ત્યારબાદ ભાજપે ચૂંટણી પંચ પાસે અભિનેતાની ફિલ્મો પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. પત્રમાં બીજેપી ઓબીસી મોરચા પાંખના કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ અને બીજેપીના વરિષ્ઠ નેતા આર રઘુએ જણાવ્યું હતું કે, ‘શિવરાજકુમાર રાજ્યમાં એક મોટું વ્યક્તિત્વ છે અને હાલમાં કોંગ્રેસ પાર્ટી માટે રાજ્યવ્યાપી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેમના સિનેમા કાર્ય ઉપરાંત તેમના ફેન ફોલોઈંગ દ્વારા લોકો પર તેમનો નોંધપાત્ર પ્રભાવ છે.’

રઘુએ વધુમાં કહ્યું કે, ‘અમે લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાના તેમના અધિકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ ચૂંટણી સમયે લેવલ પ્લેઇંગ ફિલ્ડ જાળવવું અને અન્યાયી લાભ અટકાવવો મહત્વપૂર્ણ છે.’ આ કારણે જ ભાજપના નેતાએ ચૂંટણી પંચ પાસે ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી શિવરાજકુમારની ફિલ્મો, જાહેરાતો અને હોર્ડિંગ્સના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
આ પણ વાંચોઃ રશિયામાં આતંકા હુમલા મામલે PM મોદીનું ટ્વીટ – અમે રશિયા સાથે છીએ
શિવરાજકુમારની પત્ની અહીંથી ચૂંટણી લડી રહી છે
શિવરાજકુમારની પત્ની ગીતા શિવરાજકુમાર શિમોગા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર આગામી લોકસભા ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં શિવરાજકુમાર તેમના માટે પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.
કર્ણાટકમાં ચૂંટણી ક્યારે યોજાશે?
કર્ણાટકમાં 28 બેઠકો માટે લોકસભાની ચૂંટણી 26 એપ્રિલ અને 7 મેના રોજ બે તબક્કામાં યોજાશે.