February 5, 2025

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના 10 એક્ઝિટ પોલમાંથી 8માં BJPને બહુમતી, 2માં AAP

Delhi Election Exit Poll Result 2025: દિલ્હી વિધાનસભાની કુલ 70 બેઠકો માટે ચૂંટણી લડી રહેલા 699 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થઈ ગયું છે. સાંજે 5 વાગ્યા સુધી દિલ્હીમાં 57.70 ટકા મતદાન થયું છે. ચૂંટણી પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે, પરંતુ દરેકના મનમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ વખતે દિલ્હીમાં સરકાર કોણ બનાવશે. આ અંગે એક્ઝિટ પોલ સર્વે બહાર આવ્યા છે. આમ આદમી પાર્ટીને આમાં મોટો ઝટકો લાગતો હોય તેવું લાગે છે. મોટાભાગના સર્વેક્ષણોમાં આગાહી કરવામાં આવી છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી શકે છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. મતદારોએ 699 નેતાઓનું ભાવિ EVMમાં બંધ કરી દીધું છે, જે 8 ફેબ્રુઆરીએ ખોલવામાં આવશે. તે પહેલાં એક્ઝિટ પોલના અંદાજો બહાર આવ્યા છે જે આમ આદમી પાર્ટીના તણાવમાં વધારો કરે તેવું લાગે છે. તે જ સમયે 26 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. ચાલો જાણીએ કે કયા સર્વેમાં દરેક પક્ષને કેટલી બેઠકો મળવાની અપેક્ષા છે.

એક્ઝિટ પોલ કરનાર સર્વે એજન્સી મેટ્રિસ, પીપુલ્સ ઈન્સાઈડ, પીપુલ્સ પલ્સ, JVC પોલ્સ, રિપબ્લિક ભારત, P MARQ, ચાણક્ય સ્ટ્રેટજીજ, ડીવી રિસર્ચ, વીપ્રિસાઈડ, માઇન્ડ બ્રિંકની વાત કરીએ તો 10 એક્ઝિટ પોલમાંથી 8માં BJPને બહુમતી મળી રહી છે. જ્યારે 2 એક્ઝિટ પોલમાં AAP સરકારનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. તો કોંગ્રેસની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે, એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 1થી 2 બેઠક મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

વીપ્રેસાઇડ અને માઇન્ડ બ્રિંકના સર્વે સિવાય બાકીના બધા એક્ઝિટ પોલ સર્વે આગાહી કરે છે કે ભાજપ દિલ્હીમાં સરકાર બનાવી શકે છે. જોકે આ સર્વેક્ષણો છે, વાસ્તવિક ચિત્ર 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ થશે. એક્ઝિટ પોલ અંતિમ પરિણામો નથી, તે ફક્ત અનુમાન છે. એક્ઝિટ પોલ એવા મતદારો દ્વારા કરવામાં આવે છે જેમણે મતદાન કર્યું છે અને ડેટાનું વિશ્લેષણ કરીને મતદારોનો મૂડ કેવો છે અને કયા પક્ષને મત મળશે અને સરકાર બનશે. તેનો અંદાજ લગાવવામાં આવે છે. આ રીતે એ પણ જણાવવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત અને કેટલી બેઠકો મળી રહી છે. જોકે દિલ્હી ચૂંટણીના અંતિમ પરિણામો 8 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે આવશે.