September 14, 2024

ભાજપે બંગાળમાં હડતાળનું એલાન કર્યું, મમતા સરકારે જારી કર્યો આદેશ – ‘કંઈ બંધ નહીં થાય’

Kolkata Nabanna March: મમતા બેનર્જી સરકાર RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર-હત્યા કેસને લઈને ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે કારણ લોકોના પ્રદર્શનને રોકવાનો પ્રયાસ છે. વાસ્તવમાં, કોલકાતાના લોકોએ પીડિતાને ન્યાય મેળવવા અને આ ઘટનાના વિરોધમાં ‘નબન્ના અભિયાન’ રેલીની જાહેરાત કરી હતી, પરંતુ મમતા બેનર્જી સરકારે તેની મંજૂરી આપી ન હતી.

કોલકાતાની હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ‘નબન્ના અભિયાન’ વિરોધ હિંસક બન્યો હતો. વહીવટીતંત્ર પહેલાથી જ આંદોલનમાં હિંસાનો અંદાજ લગાવી રહ્યું હતું. તેથી 6000થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે આ પાછળ રાજકીય ષડયંત્ર હોવાના આક્ષેપો પણ કર્યા હતા. મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીઓએ નબન્ના વિરોધ દરમિયાન બેરિકેડ તોડી નાખ્યા હતા. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. ઘણા પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે.

બીજેપીના બંધ પર બંગાળ સરકારે કહ્યું- કંઇ બંધ નહીં થાય
ભાજપના બંગાળ બંધના એલાન પર મમતા બેનર્જી સરકારે આદેશ જારી કરીને કહ્યું કે આવતીકાલે કંઇ બંધ નહીં હોય, મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી બાજુ, વિદ્યાર્થીઓની મુક્તિ માટે ભાજપ પોલીસ હેડક્વાર્ટરનો ઘેરાવ કરશે. નબન્નામાં ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓની મુક્તિની માંગ સાથે ભાજપ પોલીસ હેડક્વાર્ટરનો ઘેરાવ કરવા જઈ રહી છે. અગાઉ પોલીસે અનેક દેખાવકારોની ધરપકડ કરી હતી.

‘ચૂંટણી જીત્યા વિના મુખ્યમંત્રીની ખુરશી પડાવી લેવા માગે છે’
મહુઆ મોઇત્રાએ કહ્યું કે પોલીસ પર ઇંટો ફેંકવામાં આવી, એસએચઓનું માથું તૂટી ગયું, પોલીસકર્મીઓ ઘાયલ થયા અને પોલીસ અત્યાચારના વિરોધમાં ભાજપે બંધનું એલાન આપ્યું છે. તેમને ન્યાય જોઈતો નથી. તેઓ માત્ર ચૂંટણી જીત્યા વિના મુખ્યમંત્રીની ખુરશી પડાવી લેવા માગે છે.

‘સ્થિતિ ખૂબ જ નાજુક છે’, સુવેન્દુ અધિકારીએ કહ્યું
કોલકાતા ‘નબન્ના અભિજન’ રેલી પર, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, “સ્થિતિ ખૂબ જ નાજુક છે. એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ત્રણ સ્થળોએ એકઠા થયા છે. તેમની એક જ માંગ છે કે મુખ્યમંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. જોકે, તેમને રોકવા માટે 15,000-20,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અથડામણમાં દેખાવકારો અને પોલીસકર્મીઓ બંને ઘાયલ થયા છે. આ માટે રાજ્ય સરકાર જવાબદાર છે.”