December 21, 2024

NEET પેપર લીકનો માસ્ટર માઈન્ડ સિકંદર સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ

નવી દિલ્હી: બિહારમાં NEET પરીક્ષાનું પરિણામ આવ્યા બાદથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. પેપર લીક અને ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે ઉમેદવારો સતત વિરોધ કરી રહ્યા છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ દરમિયાન પોલીસે અનેક ધરપકડો પણ કરી છે. આમાંથી એક નામ સિકંદર યાદવેન્દુનું છે.

જે NEET પરીક્ષા કેસની સોલ્વર ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. સમાચાર આવ્યા છે કે ધરપકડ કરાયેલા સિકંદરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સિકંદર દાનાપુરમાં મ્યુનિસિપલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટેડ હતો. જેને પહેલા તેના પેરેન્ટ ડિપાર્ટમેન્ટ વોટર રિસોર્સમાં મોકલવામાં આવ્યો હતો અને પછી તેને વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

જાણો કોણ છે સિકંદર યાદવેન્દુ
આ સમગ્ર મામલામાં સિકંદર યાદવેન્દુ મુખ્ય હોવાનું કહેવાય છે. તે બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. જોકે, આ પહેલું કૌભાંડ નથી જેમાં તે પકડાયો હોય. આવા જ અન્ય એક કૌભાંડ કેસમાં તે જેલ પણ ગયો છે. વાસ્તવમાં સિકંદર પર 3 કરોડ રૂપિયાના LED કૌભાંડનો આરોપ હતો. આ કેસમાં તે જેલ પણ ગયો છે.

સિકંદર પહેલા રાંચીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો. વર્ષ 2012 માં તેણે બિહાર એસએસસીની પરીક્ષા પાસ કરી અને જુનિયર એન્જિનિયર બન્યો. તેમનો પુત્ર અને પુત્રી બંને એમબીબીએસનો અભ્યાસ કરે છે. તેમના જમાઈ એમબીબીએસ પછી પીજી કરી રહ્યા છે.

આરોપીની કબૂલાત
આરોપીઓએ કબૂલાત કરી છે કે પરીક્ષા 5 મેના રોજ હતી અને પેપર 4 મેના રોજ લીક થયું હતું. ઉમેદવારો પાસેથી 30 થી 32 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પટના EOU (આર્થિક અપરાધ એકમ) દ્વારા રિકવર કરાયેલા 6 પોસ્ટ ડેટેડ ચેક તમામ માફિયાઓના નામે જારી કરવામાં આવ્યા હતા. હવે EOU ખાતાધારકો વિશે માહિતી એકત્રિત કરી રહ્યું છે. NEET પેપર લીક કેસમાં બિહારમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાં 5 NEET UG ઉમેદવારો છે.