રેલવે યાર્ડ ચોરીના કેસમાં અમદાવાદ રેલવે પોલીસને મોટી સફળતા, 4 આરોપીઓની ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ રેલ્વે સ્ટેશનના રેલવે યાર્ડમાં થોડા દિવસ પહેલા થયેલા લાખો રૂપિયાના પાર્સલની લૂટનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ રેલવે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. હથિયારો સાથે આરોપીએ ચોરીને અંજામ આપ્યો હતો.
રેલવે પોલીસ દ્વારા આસિફ ગાંડી ઉર્ફે આમિરખાન, અયુબ કુરેશી, સિકંદર ઉર્ફે જગો શેખ અને આમિરખાન ઉર્ફે બાબાની લૂંટ અને ધાડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગએ રેલવે માં આંતક મચાવ્યો હતો. રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલ ગોડાઉનમાં ધાડ કરીને રૂ 29.56 લાખના ઇમિટેશન જવેલરીના પાર્સલ સહિતના ટ્રકની લૂંટ કરી હતી. આ ગેંગ ઘાતક હથિયારો વડે લૂંટ અને ધાડ કરતા હતા. જેને લઈને રેલવે પોલીસે CCTV ફુટેજના આધારે ચારેય આરોપીની ધરપકડ કરી છે.
રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું કે રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને 5 જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. આ આરોપીઓના હથિયારો સાથેના સોસીયલ મીડિયા પર વિડિઓ વાયરલ થયા છે. જેમણે વિડીયો બનાવીને આંતક મચાવ્યો છે. આ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી આસિફ ગાંડી વિરુદ્ધ 28 ગુના નોંધાયા છે અને 5 વખત પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપી અયુબ કુરેશી વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે. આરોપી સિકંદર વિરુદ્ધ 3 ગુના અને આમિર ઉર્ફે બાબા વિરુદ્ધ 5 ગુના નોંધાયા છે.
આ સમગ્ર મામલે પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ એક આરોપી સલમાન ની શોધખોળ હાથ ધરી છે. ત્યારે આ ગેંગ વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિંડીકેટ કલમ BNS 111 મુજબ ગુના નો ઉમેરો કરવામાં આવશે જેમાં આરોપીને આજીવથી લઈ મૃત્યુ દંડની સજા હોય છે.