WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ફેરફાર, દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને પછાડ્યું; આ નંબર પર ભારત
WTC Points Table: દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 40 રનથી હરાવ્યું. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. 263 રનના ટાર્ગેટના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 222 રનમાં સમેટાઈ ગઈ હતી. આ સાથે આફ્રિકાએ બે ટેસ્ટ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે.
દક્ષિણ આફ્રિકાને ફાયદો
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં જીત નોંધાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર પહોંચી ગઈ છે. આફ્રિકા અત્યારે WTC પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. તેણે 6 મેચ રમી છે, જેમાંથી તેણે 2 જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ કારણે તેનું PCT 38.89 છે. જ્યારે પાકિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં પાંચ મેચ રમી છે જેમાંથી તેણે બેમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેનું PCT 36.66 છે. પાકિસ્તાને હજુ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ જીતીને પાકિસ્તાની ટીમ ટોપ પર પહોંચી શકે છે.
આ પણ વાંચો: ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રથમવાર જોવા મળ્યો આવો નજારો, સુપરઓવર નહીં સુપર-5થી આવ્યું પરિણામ
નંબર વન પર ભારતીય ટીમ
ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. ટીમે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે જેમાંથી 6માં તેણે જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમનું PCT 68.51 છે. ભારતીય ટીમને હજુ પણ ઘરઆંગણે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ 10 ટેસ્ટ મેચ રમવાની છે, જે WTC ફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. ટીમ પાસે 62.50નું PCT છે.
દક્ષિણ આફ્રિકાએ મેચ જીતી લીધી હતી
દક્ષિણ આફ્રિકા માટે વિયાન મુલ્ડરે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં ચાર અને બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આફ્રિકા તરફથી કાઈલ વેરેનીએ 59 રન અને એઇડન માર્કરામે બીજા દાવમાં 51 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે આફ્રિકાની ટીમ બીજા દાવમાં 246 રન બનાવી શકી હતી.