November 25, 2024

3 ફેબ્રુઆરીએ ભૂપત-ભાજપ અને ભગવો એક સાથે…!

ગાંધીનગર :  ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલાં મોટ ઝટકો લાગ્યો છે. વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર બનેલ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપી દીધું હતું, ભૂપત ભાયાણી હવે આમ આદમી પાર્ટીને બદલે ભાજપમાં જોડાઇ કેસરીયા કરશે. માહિતી અનુસાર આગામી ૩ ફેબ્રુઆરીના રોજ ભૂપત ભાયાણી સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ભૂપત ભાયાણી તેમના જ મત વિસ્તાર વિસાવદરમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપનો ખેસ ધારણ કરશે. ભૂપત ભાયાણી ભાજપમાં આવકારવા માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ થોડા દિવસો પહેલા ગુજરાતની મુલાકાત કરી હતી અને કેજરીવાલે ભરૂચ ખાતે સભા યોજી હતી ત્યારબાદ આપ પાર્ટીના નેતા ચૈતર વસાવાને જેલમાં મળવા ગયા હતા. સભામાં ભરૂચથી ચૈતર વસાવાને ઉમેદરવાર તરીકે જાહેરાત કરી ચૂક્યા છે.

રાષ્ટ્રવાદી વિચારધારાને કારણે જ પાર્ટી છોડી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રવાદી વિચારધારાને કારણે જ આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો છે અને તેમના મત વિસ્તારના લોકો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીને માત્ર એક વર્ષ થયાને ધારાસભ્યએ પાર્ટી છોડીને લોકસભા ચૂંટણીની AAPની તૈયારીઓને મોટો ફટકો આપ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં INDIA સંગઠન હેઠળ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. વધુમાં કહ્યું કે અગાઉ તેઓ ભાજપમાં હતા અને રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયેલા હતા, આજે પણ તેઓ રાષ્ટ્રવાદની વિચારધારાને કારણે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. ભાયાણીનું કહેવું છે કે તેઓ પીએમ મોદીની વિરુદ્ધ ન જઇ શકુ કારણે તે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા છે. તેથી જ તેણે આમ આદમી પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : BJPનો એક્શન પ્લાન : આગામી લોકસભા ચૂંટણી માટે આ સિનિયર નેતાઓને જવાબદારી

14 વર્ષ સુધી ભાજપમાં હતા
ભૂપત ભાયાણી 14 વર્ષ સુધી ભાજપમાં રહ્યા હતા અને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા ત્યારબાદ આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિસાવદર સભામાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા અને ધારાસભ્ય બન્યા હતા. નોંધનીય છે કે ચૂંટણી જીત્યાના એક સપ્તાહમાં જ તેમના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ તેમણે મારા લોકો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશ તેમ કહીને મામલો સ્થગિત કરી દીધો હતો અને હવે 1 વર્ષ બાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.

કોંગ્રેસમાં પણ મોટું ભંગાણ
16 જાન્યુઆરીએ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભંગાણ થયું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જૂન ખાટરિયા તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર ખાતે કમલમમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. જેમાં સીએમ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયા કર્યાં હતા. બીજી બાજુ કોંગ્રેસના અર્જૂન ખાટરિયાની સાથે સાથે ગુજરાતમાંથી 2000થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. નોંધનીય છે કે રાજકોટ તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના આ સ્થાનિક નેતાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના ગુજરાત પ્રમુખ સીઆર પાટિલની હાજરીમાં સત્તાધારી પક્ષમાં જોડાયા હતા. નવનિયુક્ત સભ્યોનું સ્વાગત કરતાં પાટીલે કહ્યું કે દરેક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત અને ગુજરાતને મજબૂત કરવાના તેમના પ્રયાસોમાં મદદ કરવી જોઈએ. કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાવાના સંદર્ભમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જેઓ છોડી રહ્યા છે તેમના સિવાય પણ ઘણા લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

રાજ્યભરમાં વોલ પેઈન્ટીંગ અભિયાન શરૂ
રાજ્ય ભાજપે પણ આ વર્ષની લોકસભા ચૂંટણી માટે 16 જાન્યુઆરીથી રાજ્યભરમાં વોલ પેઈન્ટીંગ અભિયાન શરૂ કરીને તેના અભિયાનની શરૂઆત કરી હતી. અન્ય કેટલાક વરિષ્ઠ વિરોધ પક્ષના નેતાઓ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાય તેવી સંભાવના છે અને કેટલાક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની કતારમાં છે. થોડા દિવસ પહેલાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના ભૂતપૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ X પર પોસ્ટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે ભગવાન રામની પૂજા કરવી જોઈએ. નાગરિકોની આસ્થા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ.